વાસદ – બગોદરા હાઈ વે પર કાર અડફેટે આવી જતા પતિ પત્નિ નુ એક સાથે કરુણ મોત નિપજ્યું
વાસદ બગોદરા હાઈવે પર એક પુરપાટ ઝડપે આવી રહેલી કારે બાઈક સવાર બે વ્યક્તિને એકદમ ભયાનક રીતે હવામાં ઉછાળ્યા હતા. આ બંન્ને બાઈક સવાર દંપતિનું ભયંકર રીતે પછડાટ વાગવાથી મોત થયું છે. સમગ્ર મામલાની જાણ થતા જ પોલીસ હરકતમાં આવી હતી અને ઘટના સ્થળે પહોંચી આરોપીઓની ઓળખ કરી પરિવારને જાણ કરવામાં આવી અને સાથે જ મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા.
આણંદ તાલુકામાં અત્યારે અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી ગયું છે. હાઈવે પર ટુ-વ્હિલર લઈને નિકળતા લોકો તો હથેળીમાં જીવ લઈને નિકળતા હોય તેવી સ્થિતી છે. બેફામ દોડતી કારો અને ટ્રકો તેમજ મોટા વ્હિકલો ગમે ત્યારે ગમે તેના માટે કાળ સાબિત થતા હોય છે. પરંતુ યક્ષ પ્રશ્ન એ છે કે, આ લોકોની મોતની બેફામ સ્પીડને રોકવા વાળું કોઈ નથી.
મૃત્યુ પામનાર દંપતિ મૂળ પેટલાદ તાલુકાના વિશ્નોલી ગામના છે. તેમનું નામ રમણભાઈ ઠાકોર (ઉંમર – 45 વર્ષ) અને જશોદાબેન ઠાકોર (ઉંમર – 45 વર્ષ) છે. અકસ્માતે પોતાના પરિવારના હ્યદયસ્થ સભ્યોનું નિધન થતા આખો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે અને સાથે જ આખા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
અકસ્માત સર્જનાર કાર ચાલકનું નામ દિલીપ ભાઈ પટેલ છે અને તે મૂળ મોરબીના રહેવાસી છે. આ બંન્ને દંપતી જ્યારે બસ સ્ટેન્ડ પાસે બાઈક લઈને ઉભા હતા ત્યારે ગ્રાન્ડ આઈ10 લઈને આવી રહેલા દિલીપ પટેલે બાઈક સવાર દંપતિને પાછળના ભાગેથી ટક્કર મારી હતી. આ બંન્ને દંપતિ હવામાં એ રીતે ફંગોળાયા હતા કે બંન્નેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ અને એટલે જ તેમનું મોત નિપજ્યું હતું.
