સમય નો ખેલ : એક સમયે બે એકર જેટલી જમીન નો માલિક હતો આ વ્યક્તિ પરંતુ છેલ્લા 17 વર્ષ થી જંગલ મા એક કાર મા રહે છે..
કેટલાક લોકો એવા હોય છે કે, જેને જોઈને લાગે કે આ લોકો દુનિયાથી પર છે. અને એ લોકો દુનિયાથી એક અલગ જ જિંદગી જીવવાનું પસંદ કરતા હોય છે. આવા જ એક વ્યક્તિની આજે વાત કરવી છે કે, જે દક્ષિણ કન્નડ જિલ્લાના સુલિયા તાલુકાના અરંથોડુ પાસે આવેલા એક ગાઢ જંગલમાં રહે છે. આ વ્યક્તિની ઉંમર 56 વર્ષ છે.
આ વ્યક્તિનું નામ ચંદ્રશેખર છે અને છેલ્લા કેટલાય વર્ષો સુધી પરિવારથી અલગ થઈને આ જંગલમાં જ રહે છે. જંગલમાં આ વ્યક્તિ સુધી પહોંચવું હોય તો, મેઈન રોડથી અંદર 3-4 કિલોમીટર જંગલમાં ચાલીને જવું પડે છે. આ વ્યક્તિ પાસે એક જૂની એમ્બેસેડર કાર છે અને તેના બોનેટ પર એક ખૂબ જ જૂનો રેડીયો લગાવવામાં આવેલો છે. આ રેડીયો વર્ષો જૂનો હોવા છતા હજીપણ ચાલે છે. આ વ્યક્તિની પાસે હકીકતમાં જે-તે સમયે કેમરાજે ગામમાં મોટી માત્રામાં જમીન હતી અને તેઓ ત્યાં ખેતી કરતા હતા. ચંદ્રશેખર શાંતિપૂર્ણ જીવન પસાર કરતા હતા. પરંતુ અચાનક જ સમયે કરવટ બદલી. તેમણે બેંક પાસેથી 40,000 રૂપિયાની લોન લીધી. પણ એવો અસમય આવ્યો જીવનમાં કે, સુખી સંપન્ન વ્યક્તિ આ લોન ચૂકવી ન શક્યા. લોન ન ચૂકવી શકવાના કારણે બેંકે તેમના ખેતરની હરાજી કરી દીધી.
માણસનો સમય જ્યારે બદલાય છે ત્યારે પોતાના પણ પારકા બની જતા હોય છે. ચંદ્રશેખરના જીવનમાં પણ કંઈક આવું જ થયું. એકબાજુ જમીન જતી રહી અને બીજીબાજુ પરિવાર સાથે માથાકુટ થતા તેમણે ઘર છોડી દિધું અને બહેનના ઘરે રહેવા માટે જતા રહ્યા, પરંતુ ત્યાં પણ બહેનના પરિવાર સાથે માથાકૂટ થતા તેઓ ત્યાંથી પણ નિકળી ગયા અને એકલા રહેવાનો નિર્ણય કર્યો. બધી બાજુથી નિરાશ થયેલા આ વ્યક્તિએ જંગલમાં રહેવાનો નિર્ણય કર્યો અને પોતાની કાર લઈને તેઓ જંગલમાં રહેવા જતા રહ્યા.
ચંદ્રશેખર છેલ્લા 17 વર્ષથી જંગલમાં એકલા રહે છે. જંગલમાં વહેતી નદીમાંથી સ્નાન કરે છે. અને જંગલમાં જે ઘાસ ઉગે છે તેની ટોકરીઓ બનાવીને તેઓ દુકાન વાળાને આપે છે અને બદલામાં જે પૈસા મળે તેમાં તેઓ ચા-ખાંડ જેવી જીવન જરૂરીયાતની વસ્તુઓ ખરીદી પોતાના જીવનનો નિર્વાહ કરે છે. સૌથી મોટી વાત એ છે કે, ચંદ્રશેખરની ઈચ્છા છે કે, મારે મારી જમીન પાછી મેળવવી છે અને એટલે જ તેમણે પોતાની જમીનના દસ્તાવેજ હજીય પોતાની પાસે સાચવીને રાખ્યા છે.
આ વ્યક્તિ અત્યારે પોતાની દુનિયામાં ખુશ છે. આ સિવાય તેમણે પોતાની પાસે એક જૂની સાયકલ રાખી છે અને તેનાથી તેઓ નજીકના ગામમાં અવર-જવર કરે છે. આ સિવાય પોતાના જૂના રેડીયોમાં તેઓ આકાશવાણી પર મેંગલુરુ સ્ટેશનને સાંભળે છે.
