અલવિદા નટુકાકા
છેલ્લા કેટલાય વર્ષોથી ભવાઈમાં રંગલાનું પાત્ર ભજવતા રંગભૂમીના એક ઉચ્ચકોટીના કલાકાર અને “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” સીરીયલમાં “નટુકાકા” નું પાત્ર ભજવતા એક દિગ્ગજ કલાકાર એવા ઘનશ્યામ નાયકનું આજે કેન્સરની ટૂંકી બિમારી બાદ ગઈકાલે 77 વર્ષની વયે અવસાન થયું હતું. ત્યારે આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
નાનકડા બાળકથી લઈને મોટેરાઓ સુધી કોઈપણ વ્યક્તિ એવા નહી હોય કે જે નટુકાકાને ઓળખતા ન હોય. નટુકાકાના અંતિમ સંસ્કારમાં પરિવારજનો સહિત ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા અનેક લોકો જોડાયા હતા. બધા જ લોકોએ રડતી આંખે નટુકાકાને વિદાય આપી હતી.
નટુકાકાને અંતિમ વિદાય તારક “મહેતા કા ઉલ્ટા ચશ્મા” સીરીયલમાંથી આપવા માટે ભવ્ય ગાંધી, સમય શાહ (ગોગી), અસિત શાહ, જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોષી પણ સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો સાથે આવ્યા હતા. આ સિવાય બબીતા મુનમુન દત્તા સહિતના સિરીયલના અનેક કલાકારો આવ્યા હતા. ઘનશ્યામ નાયક જેટલા સારા કલાકાર હતા બીલકુલ એટલા જ સારા વ્યક્તિ પણ હતા. નાનો માણસ હોય કે મોટો માણસ, દરેકની સાથે તેઓ યોગ્ય વર્તન કરતા હતા. અને ખુલ્લા હ્યદયે જીવનારા એક ઉચ્ચ કોટીનું વ્યક્તિત્વ ધરાવતા એક વ્યક્તિ હતા.
એક સમય એવો હતો કે જ્યારે એન્ટરટેઈનમેન્ટ માટે ટીવી, સીરીયલો કે ચેનલો હતા નહી. એ સમયે નટુકાકા ઉર્ફે ઘનશ્યામ નાયક ભવાઈમાં રંગલાનું પાત્ર ભજવતા હતા. ઘનશ્યામ નાયકે એક એક્ટર તરીકેની પોતાની વિશાળ કારકીર્દીમાં 100 ગુજરાતી ફિલ્મો, 350 હિન્દી ફિલ્મો અને 100 થી વધારે નાટકોમાં પોતાના અભિનયના કામણ પાથર્યા છે.
ઘનશ્યામ નાયક છેલ્લા કેટલાક સમયથી કેન્સરની બિમારીથી પીડિત હતા. થોડા સમય પહેલા જ તેમના ગળાના ભાગેથી 8 ગાંઠો કાઢવામાં આવી હતી અને પછી કીમોથેરેપી લીધા બાદ તેઓ કેન્સરની બિમારીથી મુક્ત થઈ ગયા હતા. પરંતુ થોડા સમય પહેલા જ કેન્સરે ઉથલો માર્યો હતો.
સૌથી મોટી વાત એ છે કે, કેન્સરની બિમારી દરમીયાન જ્યારે તેઓ કીમોથેરેપીના ડોઝ લઈ રહ્યા હતા તે દરમીયાન પણ તેઓ સીરીયલના શુટીંગમાં આવ્યા હતા. તેમનું આ કામ પ્રત્યેનું આ ડેડીકેશન જ એ વાતની સાબિતી આપે છે કે, તેઓ કઈ કક્ષાના કલાકાર હતા. બાકી કેન્સર જેવી બિમારી અને તેમાં પણ કીમોથેરેપીના ડોઝ વચ્ચે સીરીયલનું શુટીંગ કરવું એ કોઈ સામાન્ય બાબત નથી હોતી.
