લંકાપતિ રાવણ થી લઈને લોકસભાના સાંસદ બનનાર ગુજરાતી અભિનેતા અરવિંદ ત્રિવેદી…
ગુજરાતી ફિલ્મોના અનેક પાત્રમાં કલાકાર તરીકે પોતાની ભૂમિકા નિભાવે છે અને એ પાત્રમાં પોતાની અમીછાપ છોડે છે.આજે અમે આપને એક એવા જ કલાકાર વિશે જણાવીશું જેમને રાવણ અને ગુજરાતી ફિલ્મોમાં દાદાજીના પાત્ર તરીકે ખૂબ જ લોકપ્રિયતા મેળવી. ગુજરાતી ફિલ્મોના સમ્રાટ ગણાતા ઉપેન્દ્ર ત્રિવેદીના ભાઈ એટલે અરવિંદ ત્રિવેદી જેમને રામાનંદ ની રામાયણ સિરિયલ દ્વારા લંકા નરેશનું પાત્ર ભજવીને લોકપ્રિયતા મેળવી તેમજ ગુજરાતી ફિલ્મોમાં યોગદાન આપ્યું.
અરવિંદ ત્રિવેદી ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા છે. તેમણે મુખ્ય નાયક, ખલનાયક, સહાયક અભિનેતા તથા ચરિત્ર અભિનેતા તરીકે ૨૫૦થી વધુ ગુજરાતી અને હિન્દી ચલચિત્રોમાં અભિનય કર્યો છે. તેમનાં ભાઇ ઉપેન્દ્ર ત્રિવેદી સાથે તેમની કારકિર્દી ૪૦થી વધુ વર્ષોમાં પથરાયેલી છે. ત્યારે આજે આપણે એક નજર તેમના અંગર જીવન અને અભિનયની સફર પર કરીશું અને જાણીશું કે, તેમની અભિનય ની દુનિયા કેવી હતી?
આજે આપણે વાત કરી રહ્યા છે અરવિંદ ત્રિવેદી ની જેઓ
ઉજ્જૈનના મહાબળેશ્વરના સમીપે ઈંદોરમાં બ્રાહ્મણ કુળમાં જન્મેલા અરવિંદ ત્રિવેદીએ ગળથૂંથીમાં જ ધાર્મિક સંસ્કારો મેળવ્યા છે. પિતા ઈંદોરની અગ્રગણ્ય મિલના મૅનેજર પદેથી નિવૃત્ત થયા એટલે મોટાભાઈ ભાલચંદ્રના સાથ સહકારથી ઉપેન્દ્રભાઈ અને અરવિંદભાઈ મુંબઈ આવ્યા. ભવન્સ કૉલેજમાં ભણતા ભણતા ‘વિજય મિત્ર મંડળ’ અને ઈન્ટર કૉલેજિયેટ નાટ્ય સ્પર્ધામાં અભિનયના શ્રીગણેશ કર્યા. અને અભિનય પ્રત્યેની નિષ્ઠાએ ક. મા. મુન્શીના ભારતીય વિદ્યાભવનમાં ૧૯૬૦માં માસિક સો રૂપિયાના વેતને મૅનેજર તરીકે જોડાયા.
એટલે ભવન્સની સાંસ્કૃતિક અને નાટ્ય પ્રવૃત્તિને વેગ આપવા તનતોડ પરિશ્રમ અને નિષ્ઠાપૂર્વક આગળ વધતા વધતા એક-બે નહીં પણ સત્તર વર્ષ સુધી મૅનેજર પદે રહીને છૂટા થયા ત્યારે દસ હજારનું વેતન મેળવવા હતા.જમાનાના અવેતન નાટકોમાં પ્રતિભા દાખવીને ઉપેન્દ્ર ત્રિવેદી સાથે ઝવેરચંદ મેઘાણીની વિખ્યાત નવલકથા ‘વેવિશાળ’ના નાટ્યરૂપાંતર ‘વેવિશાળ’ નાટકના ૭૫ પ્રયોગો કર્યા. વસંત કાનેટકરના ગુજરાતી રૂપાંતર ‘પારિજાત’માં ખૂંધિયા ખલનાયક તરીકે ઉપેન્દ્રભાઈ સામે આબાદ ટક્કર ઝીલીને વાહવાહ મેળવી. મો. ગ. રાંગણેકરના તો ‘મી નવ્હેચ’ના ૫૦૦ પ્રયોગી વિક્રમસર્જક ગુજરાતી નાટ્યરૂપાંતર ‘અભિનય સમ્રાટ’માં પોલીસ ઈન્સ્પેક્ટર બન્યા.
‘દર્શક’ની ઉત્કૃષ્ટ નવલકથા ‘ઝેર તો પીધા જાણી જાણી’માં અનોખી ભૂમિકા અદા કરી. આ ઉપરાંત એમના મનગમતા બીજાં બે નાટકો રવીન્દ્રનાથ ટાગોરના બંગાળી પરથી ગુજરાતીમાં અવતરેલા ‘નૌકા ડૂબી’ અને ‘પરિવાર’માં અરવિંદભાઈના અભિનયની પ્રતિભા દર્શકો અને વિવેચકોને ડોલાવી ગઈ.ગુજરાતી ફિલ્મોના સુવર્ણયુગના એક સર્જક મનહર રસકપૂરે ૧૯૫૯માં ઝવેરચંદ મેઘાણીની લોકકથા પર આધારિત ફિલ્મ ‘જોગીદાસ ખુમાણ’માં માત્ર એક જ લાઈનનો સંવાદ આપીને અરવિંદ ત્રિવેદીનો ફિલ્મમાં શુભારંભ કરાવ્યો.
આ ઘટના બાદ તેમણે ગુજરાતી ફિલ્મમાં ખૂબ જ મહત્વનું યોગદાન આપ્યું. દેશ રે દાદા જોયા પરદેશ જોયા ફિલ્મ દાદાજીના પાત્ર નાં આજે પણ વખાણ થાય છે. તેમને ગુજરાતી ફિલ્મો અને અભિનયમાંથી વિદાઈ લીધા પછી તેઓ રાજકીય ક્ષેત્રમાં પ્રવેશયા અને 1૧૯૯૧માં તેઓ સાબરકાંઠા જિલ્લામાંથી લોકસભાનાં સાંસદ તરીકે ચૂંટાયા હતા અને ૧૯૯૬ સુધી આ પદ પર રહ્યા હતાં.૨૦૦૨માં તેઓ ભારતીય સેન્સર બોર્ડ (CBFC)નાં કાર્યકારી ચેરમેન તરીકે જાહેર કરવામાં આવ્યા હતા અને હાલમાં તેઓ પોતાનું આગલું જીવન પરિવાર સાથે સુખી થી પસાર કરી રહ્યા છે.
