Gujarat

ગાંધીનગર મનપા ચૂંટણી પરીણામઃ આપ માત્ર 1 સીટ પર સમેટાઈ, ભાજપનો ભવ્ય વિજય

ગાંધીનગર મહાનગરપાલીકાની ચૂંટણીના પરિણામો આવી ચૂક્યા છે. આ ચૂંટણીમાં ટોટલ 11 વોર્ડની 44 બેઠો પર ચૂંટણી યોજાઈ હતી અને આજે પરીણામો હતા. આ ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે તેવું ચોક્કસ પ્રતિત થઈ રહ્યું છે.

ભાજપે કુલ 44 બેઠકો પરથી 40 બેઠકો પર જીત મેળવી છે. આ સિવાય કોંગ્રેસને 3 બેઠકો પર જીત મળી છે અને આમ આદમી પાર્ટી માત્ર 1 બેઠક પર જ સીમીત રહી ગઈ છે. આજના ચૂંટણી પરીણામો ભાજપ માટે સૌથી વધારે મહત્વના રહ્યા છે. કારણ કે છેલ્લા 10 વર્ષમાં પ્રથમ વખત ભાજપને અહીંયા સ્પષ્ટ બહુમતી મળી છે. ભાજપના કાર્યકર્તાઓમાં પણ ગજબનો ઉત્સાહ વ્યાપ્ત થયો છે.

સૌથી મોટી હાર આમ આદમી પાર્ટી માટે એટલા માટે કહી શકાય કે, આ વખતે આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીનગર મહાનગર પાલીકાની ચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઉતારવામાં આવ્યા હતા. પત્રકારમાંથી આપમાં જોડાયેલા ઈસુદાનભાઈ ગઢવી અને કલાકારમાંથી આપના નેતા બનેલા વિજયભાઈ સુવાળાએ વિસ્તારમાં જોરદાર પ્રચાર કર્યો હતો. મોટી-મોટી સભાઓ અને અનેક કાર્યક્રમો યોજ્યા હતા. સૌથી મોટી વાત એ છે કે, ઉત્તર ગુજરાતમાં વિજયભાઈ સુંવાળાની લોકપ્રીયતા ખૂબ છે. અને યેનકેન પ્રકારે આ લોકપ્રીયતાનો ઉપયોગ મત મેળવવા માટે પણ કરવામાં આવ્યો હતો. કારણ કે, ચૂંટણી પ્રચારની સભાઓમાં આમ આદમી પાર્ટીના નેતા વિજય સુંવાળા સ્ટેજ પરથી ગુજરાતી ગીતો ગાતા પણ જોવા મળ્યા હતા.

પરંતુ રાજકીય સમીકરણો ગમે તે હોય પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે, ગાંધીનગરના ચૂંટણી પરીણામો પછી આમ આદમી પાર્ટીએ મનોમંથન કરવાની જરૂર છે. ચૂંટણી દરમીયાન અને ટીવી ડિબેટોમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના પ્રવક્તાઓ એકબીજાની પાર્ટી પર એવા આક્ષેપો કર્યા હતા કે, આ પાર્ટી ભાજપની બી ટીમ છે. પરંતુ ગમે તે હોય, એ વાતમાં આપણે નથી પડવું. પરંતુ પરીણામો જ દર્શાવી રહ્યા છે કે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે રાજકીય આક્ષેપબાજીઓમાંથી ઉપર ઉઠીને પોતાની પાર્ટીને આગળ લાવવા માટે કંઈક નક્કર કામ કરવાની જરૂર છે.

બીજી તરફ ભાજપ માટે ખુશીની વાત એટલા માટે છે કે, અહીંયા 10 વર્ષમાં પ્રથમવાર ભાજપને બહુમતી મળી છે. નવી સરકાર છે, નવા મંત્રીઓ છે અને નવા મંત્રીઓને પણ ચૂંટણી પ્રચારનું કામ પાર્ટી દ્વારા સોંપવામાં આવ્યું હતું. અને પરીણામો જોતા એવું કહી શકાય કે, આ નેતાઓની મહેનત રંગ લાવી છે અને ભાજપને સારું પરીણામ મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!