દિકરા ને બચાવવા માટે પિતા એ મગર સાથે બાથ ભીડી લીધી પરંતુ અફસોસ દિકરા નો જીવ
વડોદરામાં આવેલી વિશ્વામીત્રી નદીમાં મગરોની સંખ્યા વધી ગઈ છે. અહીંયા મગરો એટલી હદે વધી ગયા છે કે, લોકો નદીની નજીક જતા પણ ડરતા હોય છે. અનેકવાર એવું બન્યું છે કે, આ મગરો રહેણાંક વિસ્તારમાં પણ આવી જતા હોય છે.
આવી જ એક ઘટના વડોદરાના કરજણ તાલુકામાંથી સામે આવી છે. અહીંયા આવેલી ઢાઢર નદીમાં મગરોની સંખ્યા ખૂબ જ વધી ગઈ છે. આજે 15 વર્ષનો એક કિશોર મગરનો શિકાર બની ગયો. આ કિશોર તેના પિતા સાથે બકરીઓ ચરાવવા ગયો હતો અને ત્યાં જ એક બકરી પાણી પીવા નદીમાં ઉતરી પણ તે ફસાઈ ગઈ અને તેને બચાવીને આ કિશોરે બહાર કાઢી. પરંતુ કિશોર હજી તો જ્યાં નદીની બહાર આવે ત્યાં જ મગરે તેના પર હુમલો કરીને બાળકને પોતાના જડબામાં જકડી લીધો.
પોતાના બાળકને બચાવવા માટે પિતાએ મગર સાથે બાથ ભીડી પરંતુ ત્યાં તો મગર આ કિશોરને નદીમાં ઉંડે 30 ફૂટ જેટલો દૂર લઈ ગયો. ઘટનાની જાણ થતા જ ફાયરબ્રીગેડ અને ગામના લોકો ત્યાં આવી પહોંચ્યા હતા. ફાયરબ્રીગેડે બાળકને શોધી કાઢવાના અનેક પ્રયત્નો કર્યા હતા પરંતુ હજીસુધી બાળકનો કોઈ પત્તો મળ્યો નથી.મગરોના ઉપદ્રવ અને આ પ્રકારની ઘટનાઓની પાછળ ક્યાંકને ક્યાંક તંત્ર પણ જવાબાર છે. છેલ્લા કેટલાય સમયથી અહીંયા બ્રીજ બનાવવાની માંગણી થઈ રહી છે પરંતુ સત્તાધીશો આંખ આડા કાન કરી રહ્યા છે.
2500 ની વસ્તી ધરાવતા આ ગામમાં મોટાભાગના ખેડૂતોની જમીન નદીની પેલી બાજુ છે. આ નદીમાં 300 જેટલા મગરો છે અને આમ છતા પણ મજબૂરીના માર્યા ખેડૂતો જીવના જોખમે આ નદી પાર કરીને પોતાના ખેતરમાં જાય છે. છેલ્લા કેટલાય સમયથી ગ્રામજનો દ્વારા અહીંયા પુલ બનાવવા માટે માંગણીઓ કરવામાં આવી રહી છે પરંતુ આ લોકોની વ્યથા સાંભળવા કોઈ તૈયાર નથી.
