Gujarat

એક જમીન ટૂકડા માટે દીકરાએ પોતાની જનેતાને જ મોતને ઘાટ ઉતારી દીધી…

આપણે સૌ કોઈ જાણીએ છે કે, આજના સમયમાં વ્યક્તિ એટલો સ્વાર્થી અને લાલચી થઈ ગયો છે કે, સંપત્તિ પામવા કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે.હાલમાં જ એક યુવકે પોતાની જનેતાને મોતને ઘાટ ઉતારી દીધી. આ ઘટનામાં આખરે શું બન્યુ એ તમામ વાત અમે આપને જણાવીએ. પંચમહાલના જાંબુઘોડા તાલુકાના જોટવડ ગામમાં બની છે. જમીનના ટુકડાની લાલચમાં પુત્રે પોતાના દીકરાની મદદથી સગી જનેતાને ગડદાપાટુનો આપીને હત્યા કરી નાંખી.

મહત્વની વાત એ છે કે,માવતરને લજવતું કૃત્ય કરનારા આરોપી પિતા પુત્ર સામે જાંબુઘોડા પોલીસે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.પંચમહાલ જિલ્લાના છેવાડે આવેલા જાંબુઘોડા તાલુકાના જોટવડ ગામમાં રહેતા ગંગાબેન બારીયાના પતિનું ત્રણ વર્ષ અગાઉ નિધન થતાં તેઓ પોતાના નાના પુત્ર સંજય સાથે રહેતા હતા. ગંગાબેનના પતિ વેચાતભાઈનું નિધન થયા બાદ ગંગાબેને પોતાના મોટા દીકરા રાજેશ અને નાના દિકરા સંજયને સરખા ભાગે જમીનનો હિસ્સો આપી જમીનનો એક ટુકડો પોતાની પાસે રાખ્યો હતો.

આ જમીનમાં ગંગાબેનનો નાનો દીકરો સંજય તેઓએ પાસે પરિવાર સાથે રહેતો હોવાથી તે ખેતી કરતો હતો. દરમિયાન ગંગાબેનના મોટા પુત્ર રાજેશે જમીનના ભાગ ફરી પાડવાની માંગણી કરી હતી. જે બાબતનો ગંગાબેને ઇન્કાર કર્યો હતો અને હવે નવેસરથી ભાગ નહિ પડે તેમ કહ્યું હતું.બીજી તરફ સવારમાં થયેલી આ ચર્ચા મુદ્દે રાજેશ અને તેનો પુત્ર રાહુલ સાંજે ફરી ગંગાબેન પાસે પહોંચ્યા હતા અને ઝગડો કર્યો હતો. દરમિયાન પિતા પુત્રે ગંગાબેનને માર મારી જમીન પર પાડી દઈ ગડદાપાટુનો મૂઢ માર મારવા સાથે જમીનમાં ભાગ આપી દો નહી તો બધાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ તરફ ગંગાબેન પુત્ર અને પૌત્રના ગડદાપાટુના મૂઢ મારથી બેભાન થઈ જતાં તેમને જાંબુઘોડાના સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓની હાલત વધુ નાજુક જણાતાં વધુ સારવાર માટે તેમના પુત્ર સંજયે એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડયા હતા. દરમિયાન ફરજ ઉપરના તબીબે ગંગાબેનને મૃત જાહેર કર્યા હતા. સગી જનેતાની હત્યા બાદ આખો પરિવાર વિખેરાઈ ગયો. જમીન ત્યાં જ રહી અને પિતા-પુત્ર પોલીસ હીરાસતમાં ગયા હતા. પોતાના હિસ્સામાં આવતી જમીન મળ્યા બાદ પણ વધુ જમીન મેળવી લેવાની લાલચનું આ પરિણામ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!