જગતની એક એવી મા જેણે એક જ ભવમાં પોતાના દીકરાને બે વાર જીવન દાન આપ્યુ! એકવાર કુખેથી અને બીજીવાર કિડની….
આજે મધર્સ ડે છે. ત્યારે આજે આપણે જગતની એક એવી મા વિશે વાત કરવાના છીએ જેણે એક જ ભવમાં બે વાર પોતાના દીકરાને જન્મ આપ્યો! આ પ્રેરણાદાયી અને હદયસ્પર્શી કિસ્સો બન્યો છે, રાજકોટ જિલ્લાના લોધિકાના રાવકી ગામમાં! અત્યાર સુધી તમે અંગદાનના અનેક કિસ્સાઓ સાંભળ્યા હશે પરતું આ પહેલો એવો કિસ્સો છે જે ખૂબ જ હદયસ્પર્શી અને સમાજમાં એક માતુત્વનું ઉત્તમ ઉદાહરણ બની ગયું.
વાત જાણે એમ છે કે, દિવાળીબેન પાનસુરિયા ની ઉંમર 62 વર્ષ છે છતાં ખેતીકામ કરે અને આજે પોતાના પરિવાર સાથે રહે. પરંતુ દિવાળીબેનએ પોતાના પુત્ર કલ્પેશભાઈને એક નહીં પણ બે વખત જન્મ આપ્યો છે. પહેલીવાર 42 વર્ષ પહેલાં દીકરાને પોતાની કૂખે જન્મ આપ્યો ત્યારે અને બીજીવાર 3 વર્ષ પહેલાં તેમને બીજીવાર અનોખી રીતે જ નવું જીવન દાન આપ્યું. આ ઘટના અંગે જાણીને તમારી આંખમાં આંસુ આવી જશે.
દરેક ને પોતાનો જીવ વ્હાલો હોય છે, પરતું માં એક જ એવી વ્યક્તિ છે જેને પોતાના કરતા પોતાના પરિવારનો જીવ વ્હાલો હોય છે. આજથી ત્રણ વર્ષ પહેલા કલ્પેશભાઈ પાનસુરિયા ખેતીકામ કરતા હતા ત્યારે અચાનક પેટમાં દર્દ ઉપડ્યો. તપાસ કરાવી તો બંને કિડની ફેલ હોવાનું આવ્યું. ચાર બહેનોનાં એકનાં એક ભાઈને કિડની દેવા પરિવારમાંથી કોઈ તૈયાર ન થતાં 62 વર્ષના માતા દિવાળીબેને વિના ખચકાયે એક કિડની આપી દીધી. જ્યારે કિડની ખરાબ હોવાની વાત સામે આવી ત્યારે તેમનો પરિવાર પણ ચિંતામાં મુકાઈ ગયો હતો.
ડોક્ટરો દ્વારા કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાનું જણાવાયું હતું. જોકે આ માટે કોઈ કિડની આપવા તૈયાર થતું નહોતું. કહેવાય છે ને કે જગતમાં કોઈ કોઇનું થાય કે નાં થાય પરતું મા ક્યારેય પોતાના સંતાન તરછોડતી નથી. દીકરાને નવું જીવન દાન આપવા માટે 62 વર્ષીય માતા દિવાળીબેન કિડની આપવા માટે તૈયાર થયા. એક માતા પોતે જીવ આપવા માટે પણ તૈયાર હોવાનું જણાવતા ડોક્ટરો પણ ચકિત થઈ ઉઠ્યા હતા. ત્યારબાદ ડોક્ટરો દ્વારા કિડની ટ્રાન્સપ્લાન્ટનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આજે માં અને દિકરો બંને સ્વસ્થ છે અને પોતાનું જીવન સુખી રીતે જીવી રહ્યા છે.
