ગરીબો ને રંજાડતા ગુજસીટોકના આરોપીઓનાં ઘર પર બુલડોઝર ફરી વળ્યું ! આરોપી શરીફ ખાન અને તેના પરીવાર..
હાલમાં જ અમદાવાદ પોલીસ એક સરહાનીય અને કડક પગલું ભર્યું છે, જેના કારણે પ્રજાજનોને રાહત મળી છે. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ તો જમાલપુર વિસ્તાર તેમજ એસટીની આસપાસ સામાન્ય લોકોનું જીવવું હરામ કરનાર ગુજસીટોકના આરોપી શરીફ ખાનની મિલકતને પોલીસે બુલડોઝર ફેરવી નાખ્યું છે. તમને જાણીને આશ્ચય થશે કે, આ સમગ્ર પ્રકરણમાં ઝોન ત્રણ ડીસીપી સુશીલ અગ્રવાલે તમામ સામે ગુજસીટોક ગુનો દાખલ કર્યો અને આરોપીઓને જેલમાં નાખવા કાયદેસરની કાર્યવાહી કરી.
શરીફ ખાન અને તેના પરિવારના સભ્યો આ વિસ્તારમાં અનેક લોકો પાસે નજીવી બાબતે પણ ખંડણી ઉઘરાવતા હતા. આ દરમિયાન પોલીસની કાર્યવાહીના કારણે તમામ સામે ગુજસીટોકનો ગુનો દાખલ થયો છે. હવે કોર્પોરેશનની સાથે મળીને પોલીસે આ ગુનેગારોની મિલકતમાં બુલડોઝર ફેરવી દીધું છે. જાણવા મળ્યું છે કે, આરોપી હમઝાખાને મ્યુ. કોર્પોરેશનની જગ્યા પર ગેરકાયદે 10 દુકાન અને એક બંગલો પર બાંધ્યો છે. ત્યારે આ ગેંગ દ્વારા બેનામી સંપત્તિ અને ગુનાની તમામ હકીકતની તપાસ કરવા ઇ ડિવિઝનના એસીપીને સોંપવામાં આવી છે.
આરોપીઓએ આ ખંડણીને હમઝા કે બાલમ ટેક્સનું નામ આપી દીધું હતું. કોઈને પણ લારી-ગલ્લો ચલાવવા હોય તો તેમને હપતો ચૂકવવો જ પડે. જો કોઈને મકાનમાં એક ઈંટ પણ મૂકવી હોય કે પ્લાસ્ટર કરાવવું હોય તોપણ તેમણે રૂપિયા ચૂકવવા પડે. નહીં તો આ ગેંગના ટપોરીઓ ત્યાં આવીને તોડફોડ કરે. અત્યારસુધી ગેંગથી પીડાતા સેંકડો લોકો છે અને 37 જેટલી ફરિયાદ પણ થઈ છે. જેથી છ આરોપી સામે ગુજસીટોક દાખલ કરવામાં આવી છે જેમનો ખૂબ જ આતંક હતો.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, આ ગેંગમાં 3 સગાભાઈ અને તેમના બે પુત્રો સાથે એક શખસ મળી કુલ 6 આરોપી છે, જેમાં ગેંગનો મુખ્ય આરોપી બાલમખાન પઠાણ હતો, પરંતુ એકવાર જેલમાં ગયા બાદ ગેંગનો કારોબાર પુત્ર હમઝા પઠાણે સંભાળ્યો હતો. આ ગેંગમાં હમઝા ખાન હથિયાર રાખી કોઈની પર હુમલો કરતો, જે સહેજ પણ ખચકાતો નહીં. છેલ્લાં 8 વર્ષથી આ ગેંગ સક્રિય થયેલ આ ગેંગના સભ્યો વિરુદ્ધ 40 જેટલા ગુના નોંધાઇ ચૂક્યા છે.
આ ગેંગમાં મુખ્ય આરોપી હમઝા ખાન વિરુદ્ધ 18 જેટલા ગુના નોંધાયા છે. જ્યારે શરીફખાન પઠાણએ 12, બાલમખાન પઠાણ 9, અજીમખાન પઠાણ 8, શેરબાઝખાન 6 અને મઝહરખાન પઠાણ 3 ગુના આચર્યા છે. ગેંગ સામે હવે પોલીસે ગાળિયો કસી આ ગેંગના આરોપી શરીફખાન પઠાણ અને શેરબાઝખાન ઉર્ફે ગુલબાજખાન પઠાણની ધરપકડ કરી છે. જ્યારે અન્ય બે આરોપી હમઝાખાન અને અજીમખાન જેલમાં હોવાથી આગામી દિવસોમાં તે લોકોને ટ્રાન્સફર વોરંટ લાવી કાયદેસરની કાર્યવાહી કરશે.