NRI સાથે લગ્નનો મોહ ભારે પડ્યો!:પટેલ ઉદ્યોગપતિની દીકરીના NRI સાથે લગ્ન થયા બાદ થયું એવુ કે
આજના સમયમાં જે રીતે લોકને વિદેશ જવાનો મોહ લાગ્યો છે, એવી જ રીતે આજના સમયમાં દરેક માતા-પિતાઓ પોતાની દીકરીઓના લગ્ન એનઆરઆઈ યુવક સાથે કરાવવા ઇચ્છુક હોય છે. આવી ઈચ્છા રાખનાર તમામ માતા પિતાઓ માટે આ કિસ્સો ખુબ જ ચેતવણી સમાન છે.સુરતમાં જ એવા અનેક કિસ્સાઓ છે કે લગ્ન કરી લીધાના વર્ષો બાદ પણ પોતાની પત્નીને વિદેશ લઈ જતા નથી. ઘણા કિસ્સાઓમાં તો પતિ વિદેશ જતો રહ્યો છે અને પત્ની અને તેનાં બાળકો વર્ષોથી અહીં જ છે.
હાલમાં જ એક પટેલ પરિવારની ઉદ્યોગપતિની દીકરી સાથે લગ્ન કરીને તેનો પતિ અમેરિકા જતો રહ્યો છે. જ્યારે સોનાના દાગીના અને લાખો રૂપિયા પડાવ્યા બાદ પતિ હવે સંપર્ક પણ ન કરતો હોવાનું સામે આવ્યું છે.આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ. NRI યુવક અમેરિકાથી લગ્ન કરવા માટે સુરત પરિવાર સાથે આવ્યો હતો. યુવકની જે આર્થિક સ્થિતિ હતી તેના કરતાં યુવતીની ચાર ગણી સારી સ્થિતિ જોઈને પરિવારે લગ્ન માટે હા પાડી હતી. બીએસસીનો અભ્યાસ કરતી આ દીકરી સાથે યુવકે લગ્ન કર્યા હતાં. ત્યારે તેણે પોતે માસ્ટર ડીગ્રીનો અભ્યાસ ત્યાં કરી રહ્યો હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ ત્યાં અલગ ઘર પણ ટૂંક સમયમાં લઈ લેવાની વાતો કરી હતી. એના માટેની તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોવાની વાત પણ કરી હતી. પોતાની પત્નીને માત્ર ત્રણ મહિનાની અંદર જ અમેરિકા લઈ જવાની ખોટી વાતો પણ કરી હતી.
જોકે લગ્ન થયાના બે ત્રણ મહિના બાદ તેની પાસે જે ડીગ્રી છે એ સાચી છે કે કેમ એને લઈને પણ શંકા ઊભી થઇ હતી અને ત્યાર બાદ જે મકાન લેવાની પ્રક્રિયા પૂર્ણ થવા આવી છે એવી વાતો કરી હતી એ પણ ખોટી પુરવાર થઈ હતી.યુવતીને પોતાની માયાજાળમાં ફસાવવામાં યુવક સફળ રહ્યો હતો. યુવતીને લગ્ન પહેલાંથી જ પાસપોર્ટ તૈયાર કરવા માટેની વાતો કરતો હતો. ડોક્યુમેન્ટ પણ તૈયાર રાખજે, ડીગ્રીના સર્ટિફિકેટ પણ તૈયાર રાખજે અને ટૂંક સમયમાં જ લગ્ન થયા બાદ તને લઈ જઈશ, એવી વાતો કરીને યુવતીને વિશ્વાસમાં લઈ લીધી હતી.યુવક અને તેનાં માતા-પિતાની લાલચ દિવસે ને દિવસે વધી રહી હતી અને અનેક બહાનાઓ બનાવીને 40 લાખ પડાવી લીધા હતા.જ્યારે દીકરીને હવે લઈ જવાની સ્પષ્ટ ના પાડી દીધી.
દીકરીના પિતાએ કહ્યું કે, આજે મારી દીકરીને આપેલા લાખો રૂપિયાના દાગીના લઈને તેનો પતિ અને તેના પરિવારજનો અમેરિકા જતા રહ્યા છે. મારી દીકરીને લઈ જવાની વાત કરેલી હતી, પરંતુ હવે તેઓ લઈ જશે નહીં એવી અમને પૂરી ખાતરી છે. આવા લાલચુ પરિવાર પાસે હવે મારી દીકરીને મોકલવી કે કેમ એ પણ ચિંતા થાય છે. આવી કેટલીય દીકરીઓને એનઆરઆઇ છોકરાઓ ફસાવી દે છે. તેમનું જીવન નર્કાગારમાં ધકેલી દે છે.હાલમાં પરીવારે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.