ગુજરાતી સુપર સ્ટાર હીતેન કુમાર અને રેમો ડીસોઝા સાથે જોવા મળ્યા! હીતેન કુમારે ફોટો શેર કરી જણાવી આ વાત….
ભારતનું હ્દય ગણાતું ગુજરાત હવે વિશ્વાનાં દરેક લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. હાલમાં જ બૉલીવુડનાં પ્રખ્યાત ડિરેકટર અને ડાન્સર રેમો ડિસૂઝાએ ગુજરાતનાં અમદાવાદ શહેરમાં પોતાનો ડાન્સ સ્ટુડિયો શરૂ કર્યો છે. આ સ્ટુડિયોનું ગઈકાલે ઓપનિંગ યોજાયેલ જેમાં ગુજરાતી કલાકારોએ પણ ખાસ હાજરી આપી હતી. રેમો ડીસુઝાએ મીડિયામાં કહેલું કે, આ સ્ટુડિયો ખોલવાનો હેતુ માત્ર બાળકો અને યુવાનોમાં રહેલ કલા ને પ્રોત્સાહન આપવાનું છે, જે લોકોની આર્થિકરીતે સક્ષમ નથી એવા લોકોને પણ અહીંયા એડમિશન આપવામાં આવશે.
ખરેખર આપણા સૌ માટે ગૌરવની વાત કહેવાય કે, રેમોએ ગુજરાતને પસંદ કર્યું છે. આ ઓપનિંગમાં ગુજરાતનાં પ્રખ્યાત સુપરસ્ટાર હિતેન કુમારે ખાસ હાજરી આપી હતી, રેમો ડીસુઝા સાથેની પોતાની અંગત વાત તેમને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે, જેનાં વિશે અમે આપને સંપૂર્ણ માહિતી આપીએ. હાલમાં જ ઇન્સ્ટાગામમાં રેમો ડીસુઝા સાથેની પોતાની વાત શેર કરી જે વાંચીને સૌ કોઈ વખાણ કરી રહ્યા છે.
હિતેન કુમારે લખ્યું કે,એક સાંજ ‘રેમો ડિસોઝા’ને સંગ…આજે અમદાવાદમાં એક સરસ ઘટના બની. માત્ર ભારતમાં જ નહિ પણ હવે તો વિશ્વભરમાં જાણીતા કોરીઓગ્રાફર રેમોના ‘ડાન્સ સ્ટુડીઓ’નું અમદાવાદમાં ઓપનિંગ થયું.અમદાવાદના ‘ગાંઠીયારથ’ની ચેઇન સ્ટોર્સના ઓનર ‘જીગ્નેશભાઈ’ સાથેનું આ’સાહસ’,રેમો ડીસોઝાનો આખા ભારતભરમાં આ ‘પ્રથમ ડાન્સ સ્ટુડિયો’ આજે આપણા અમદાવાદમાં શરુ થયો એ કેવી મજ્જા’ની વાત છે.
આપણા જામનગરનો એક છોકરો,એની કળાની ઉપાસના કરતા કરતા મુંબઈ પહોંચીને ‘વર્ષોના સંઘર્ષ’ પછી માત્ર ભારતમાં જ નહિ પણ છેલ્લા થોડા વર્ષોમાં દુનિયાભરમાં એની કળાને કારણે લોકો અને ખાસ કરીને ‘યંગ જનરેશનને ઘેલું લગાડનાર આ કલાકાર આજે આપણા અમદાવાદમાં એના પ્રથમ ડાન્સ સ્ટુડિયોનું ઓપનિંગ કરે ત્યારે એને ‘વેલકમબૅક’ કરવા આવવું તો પડે જ.જીગ્નેશભાઈ અને એમના પરિવારનો મારા માટેનો પ્રેમ અને દર્શનભાઈ જેમને આજની આ ઇવેન્ટ ડિઝાઇન કરી એમના આગ્રહને ખાતર થોડા કલાકો માટે આજે ફરી અમદાવાદ આવવાનું થયું. પણ આ સાંજ ખરેખર યાદગાર રહી.રેમો અને મારો, પરસ્પર એકબીજા માટેનું ‘માન અને રિસ્પેક્ટ’ આ કલાકો દરમ્યાન સતત છલકાતું રહ્યું.
આગળ એની સાથે ‘સિમરન’માં એક ગીત દરમ્યાન સાથે કામ થયું પણ એ ‘જુદા રોલ’ના એ દેખાવને કારણે ત્યારે એ મને ઓળખી નહોતો શક્યો. જયારે આજે એને ખબર પડી કે એ કંગના રનૌતનો બાપ ‘મોહન પટેલ’ હું હતો ત્યારે એનું ‘અચરજ’ એનામાં સતત છલકાતું રહ્યું… આખી સાંજ ખુબ અદભુત રહી આજે. બીજા ઘણા મિત્રોને મળી શકાયું અને અમુક મિત્રોને ના મળી શક્યો રાત્રે એરપોર્ટ પહોંચવાની ઉતાવળમાં. પણ એ કલાકો દરમ્યાન આપણા ગુજરાતના નાના બાળકો અને યુવાનોના ડાન્સ પર્ફોર્મન્સીસ પણ કમ્માલના રહ્યા.