ત્રણ વર્ષ પાકિસ્તાની જેલમાં રહ્યા બાદ ગીર સોમનાથના માછીમારો માદરે વતન પરત ફર્યા, પરિવારજનો ચોધાર આંસુએ રડી પડ્યા
આપણા પરિવારનું કોઈ સભ્ય ત્રણ દિવસ બહાર રહે તો તેની યાદ આવે અને જે ઘર છોડી ને ક્યાંક બહાર ગયું હોય તેને ઘર ની યાદ સતાવતી હોય છે. હવે વિચાર કરો કે જે વ્યક્તિઓ ત્રણ વર્ષ સુધી પોતાના પરિવાર ને મળી ન શક્યા હોય અને કોઈનું મોઢું ન જોયું અને ત્રણ વર્ષ સુધી ઘર ન ગયા હોય એ વ્યક્તિની હાલત કેવી હશે? આ ત્રણ વર્ષ પછી જ્યારે ઘરે પરત ફરે ત્યારે એની ખુશી અપાર હોય છે.
આપણે જાણીએ છે કે, દરિયાખેડૂ માછીમારો અનેકવખત દરિયો ખેડતા સમયે પાકિસ્તાન પોહચી જતા હોય છે, જ્યા તેમને કેદ કરી લેવામાં આવે છે.ભારતના એવા કેટલાય માછીમારો છે જે પોતાની પરિવાર થી દુર કેદમાં જ પોતાનું જીવન વિતાવે છે. હાલમાં જ પાકિસ્તાન દ્વારા પોતાની જેલમાં બંધ 20 ભારતીય માછીમારોને મુક્ત કરાતા તમામ માછીમારો વાઘા બોર્ડરથી ભારત પરત ફર્યા હતા.
જેમાં ગઈકાલે ગુજરાતનાં વેરાવળ આવી પહોંચ્યા હતા. બે-ત્રણ વર્ષ સુધી પરિવારથી દૂર રહેલા માછીમારોને જોતા જ તેના પરિવારજનો તેઓનો ભેંટી પડ્યા હતા અને ચોધાર આંસુએ રડી પડ્યા હતા. માછીમારોએ લાંબો સમય જેલમાં રહ્યા બાદ માદરે વતન પરત ફર્યાનો આનંદ વ્યકત કર્યો હતો. તો સાથે પાકિસ્તાની જેલમાં બંધ પોતાના સાથીઓને વહેલીતકે મુક્ત કરાવવાની માગ પણ કરી હતી.
આ તમામ માછીમારો આજે માદરે વતન વેરાવળ પરત પહોંચ્યા હતા. જે 20 માછીમારો પરત ફર્યા છે તેમાં 19 ગીર સોમનાથના અને 1 પોરબંદરનો રહેવાસી છે. નવાબંદરનો એક માછીમાર ચાર વર્ષથી પાકિસ્તાની જેલમાં બંધ હતો. જ્યારે બાકીના માછીમાર બે થી ચાર વર્ષ સુધી પાકિસ્તાની જેલમાં બંધ હતા.પરિવારજનો પોતાના સ્વજનને ભેંટી ચોધાર આંસુએ રડી પડ્યા હતા. જેના કારણે સ્થળ પર લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા અને સૌકોઈની આંખો ભીની થઈ હતી.હજી પણ તેના 580 જેટલા સાથીઓ પાકિસ્તાની જેલમાં છે. તેઓને વહેલીતકે મુક્ત કરાવી પરત લાવવાની માગ કરી હતી.