સુરત ના કમલેશ રાદડિયાએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો ! સ્યુસાઈડ નોટ મા જણાવ્યુ કે “એક કરોડ રુપીઆ
ગુજરાત સરકાર દ્વારા વ્યાજખોરીને નાબૂદ કરવા પ્રયાસ કરી રહી છે, ત્યારે વ્યાજ ખોરોના ત્રાસના લીધે અનેક લોકો આત્મહત્યા કરે છે. હાલમાં જ આવો એક બનાવ સુરત શહેરમાં સામે આવ્યો છે. સુરતના કતારગામમાં એક રત્નકલાકારે આર્થિક ભીંસમાં આવીને ઝેરી દવા પીને જીવન ટૂંકાવી દીધું અને સુસાઇડ નોટમાં પોતાની આપવીતી જણાવી હતી.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ હરિ દર્શન સોસાયટીમાં રહેતા રત્નકલાકાર કમલેશ રાદડિયાએ પોતાના ઘરે ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું. વહેલી સવારે રત્નકલાકારે આપઘાત કર્યો હોવાની જાણ પોલીસને થઈ હતી. જેને લઇ ઉચ્ચ પોલીસ અધિકારી ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.જ્યાં પોલીસે કમલેશ રાદડિયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલે તપાસ કરી હતી.
પોલીસની તપાસમાં કમલેશ રાદડિયાએ લખેલી એક સુસાઇડ નોટ મળી આવી હતી મૃતક કમલેશભાઈએ જૂનાગઢમાં રહેતા મિત્ર હિરેન નામના વ્યક્તિએ કમલેશ રાદડિયા સાથે છેતરપિંડી કરી હતી. તેના મિત્રએ છેતરીને એક કરોડ રૂપિયા જેટલી રકમ મેળવી હતી. જેથી હિરેન પાસેથી કમલેશ રાદડિયાને પૈસા લેવાના હતા.
હિરેને વધારે પૈસા કમાવી આપવાની લાલચ આપી હતી. તેથી મૃતક કમલેશ રાદડિયાએ પોતાના સગા વહાલાઓ પાસેથી એક કરોડ જેટલી રકમ લઈને આ હિરેનને આપી હતી. ત્યારબાદ જૂનાગઢનો હિરેન નામનો ઇસમ કમલેશ રાદડિયાને પૈસા પણ આપતો ન હતો અને આપેલ રૂપિયામાંથી કમાણી પણ કરીને આપતો ન હતો. આમ તેની સાથે છેતરપિંડી કરી હતી.
જૂનાગઢમાં રહેતા હિરેન નામના મિત્રએ મૃતક કમલેશ રાદડિયાને તેના રૂપિયાની સામે સુરતમાં રહેતા ચીમન સોની નામના વ્યક્તિ પાસેથી સોનુ લેવા માટે જણાવી દીધું હતું અને ચીમન સોની પાસેથી લીધેલા સોનાના રૂપિયા પોતે ચૂકવી દેશે તેવું હિરેને જણાવ્યું હતું. પરંતુ ત્યારબાદ હિરેને પણ આ સોનીને પૈસા ચૂકવ્યા ન હતા. મિત્ર હિરેને મૃતક કમલેશ રાદડિયા પાસેથી તેને લીવડાવામાં આવેલ સોના માંથી થોડું સોનુ પણ લઈ ગયો હતો. ત્યારે હવે ચીમન સોનીને સોનાની ખરીદીની સામે રૂપિયા ન મળવાના કારણે સોની મૃતક કમલેશ રાદડિયાને તે રૂપિયા ચૂકવવા દબાણ કરતો હતો. જેથી પોલીસે ચીમન સોની સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
કમલેશ રાદડિયાએ લખેલી સુસાઇડ નોટમાં એવી પણ માહિતી જણાવી છે કે, તેના પુત્ર પ્રિન્સને વિદેશ અભ્યાસ કરવા મોકલવા માટે વ્યાજે રૂપિયા પણ લીધા હતા. તેના બે મિત્રો વિજય કોરાટ અને અશ્વિન કોરાટ મારફતેથી વ્યાજ પર રૂપિયા આપનાર પાસેથી રૂપિયા મેળવ્યા છે. પરંતુ આ રૂપિયા કેટલા મેળવ્યા છે અને કોની પાસેથી મેળવ્યા છે તેની હકીકત જણાવી નથી. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પોલીસે આ વ્યાજખોરો સામે મની લોન્ડરિંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
કમલેશ રાદડિયાએ સુસાઇડ નોટમાં ગોલ્ડ લોન વિશે પણ લખ્યું હતું. જેમાં પરિવારને કહ્યું હતું કે ગોલ્ડ લોનમાંથી સોનું છોડાવી લેજો. ત્યારે હવે આ ગોલ્ડ લોન કોની પાસેથી લીધી છે અને કેટલું સોનું ગોલ્ડ લોન પર લીધું છે તે તમામ બાબતે પોલીસ તપાસ કરી રહી છે. ગોલ્ડ લોનના નામે કેટલા રૂપિયા વ્યાજે આપ્યા છે તે બાબતે હાલ પોલીસ તપાસ કરી રહી છે.
આ સમગ્ર કેસમાં જૂનાગઢના તેના મિત્રએ રૂપિયાની લાલચ આપીને તેની સાથે છેતરપિંડી કરી છે,સુરતના સોનીએ સોનાના રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી છે, અને વ્યાજે રૂપિયા લેતા વ્યાજખોરોનો પણ ત્રાસ સામે આવ્યો છે ત્યારે પોલીસે આ કેસમાં આઇપીસી કલમ 306, 384, 114 અને છેતરપિંડીની કલમ 420 અને મની લોન્ડરિંગ હેઠળ ગુનો નોંધી પોલીસે સુરતના સોનુ આપનાર ચીમન સોનીની ધરપકડ કરી અન્ય તમામ આરોપીઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રવીણ મલે જણાવ્યું હતું કે કમલેશ રાદડિયાએ કોની પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. તેની માહિતી હજુ સુધી મળી નથી. આ ઉપરાંત કેટલા રૂપિયા વ્યાજ લીધા છે તે બાબતે પરિવારના સભ્યોને પણ કોઈ માહિતી આપી નથી. તો બીજી તરફ વ્યાજખોરો અને ચીમન સોની દ્વારા જે દબાણ કરવામાં આવતું હતું તેને લઈને મૃતક કમલેશ રાદડિયા દ્વારા કે પરિવાર દ્વારા પોલીસનો પણ કોઈ સંપર્ક કરવામાં આવ્યો ન હતો. મિત્રો કે સગા સંબંધીઓને પણ આ અંગે જાણકારી ન હતી. પોલીસને આત્મહત્યા કર્યા બાદ જાણકારી મળતા તાત્કાલિક પોલીસ અંગે તપાસમાં જોતરાઈ છે. પરંતુ આવા કોઈપણ પ્રકારના આર્થિક સંકડામણમાં ફસાયા હોવ તો પોલીસનો સંપર્ક કરવાથી પોલીસ તાત્કાલિક તેઓના મદદ કરશે તેવી અપીલ કરી હતી.