Gujarat

નાના ભાઈ ખાતર સુરતના યુવાને આ કારણે કમૂરતામાં પ્રભુતામાં પગલાં માંડ્યા, આવા લગ્ન તમે ક્યાંય નહીં જોયા હોય…

તાપી નદીના કાંઠે આવેલ સુરત શહેરમાં અવનવા કિસ્સાઓ સાંભળવવા મળે છે, જે પ્રેરણાદાયી અને સકારત્મક હોય છે. હાલમાં જ આવો એક કિસ્સો બન્યો છે, માત્ર આપણા ગુજરાતીઓ માટે જ નહીં પરંતુ આ વાત દરેક લોકોને સમજવા જેવી છે. શું તમે ક્યારેય સાંભળ્યું છે કે, કમુરતામાં કોઈ શુભ પ્રસંગ કે લગ્ન થાય? જવાબ ન જ હોય કારણ કે, આપણી હિન્દૂ પરંપરા મુજબ આ સમયગાળામાં લગ્ન નથી થતાં પણ સુરત શહેરમાં કમુરતાનાં સમયમાં શરણાઈના સુર વાગ્યા, જાનૈયાઓ વાજતે ગાજતે જાન જોડીને સુરતની ગલીઓમાં નીકળીને લગ્નના માંડવે પહોંચ્યા. આ વાત સાંભળતા જ તમે કહેશો કે કમુરતામાં વળી કોણ લગ્ન કરે?

તમને જાણીને આશ્ચય થશે કે સુરત મા રહેતા એક પરીવાર પોતાના દિકરા ના  શુભ લગ્ન કમૂરતામાં રાખ્યા. આ પાછળ એક રસપ્રદ અને પ્રેમાળ કહાની છે. અજયે પોતાના ભાઈ માટે થઈને આ લગ્ન મુહર્ત વિનાના સમયમાં કર્યા, હવે વિચાર કરો કે પોતાના જીવનનો સૌથી ખાસ અવસર પોતાના ભાઈ માટે થઈને કમુરતામાં કરવામાં વિચાર્યું! આ લગ્નમાં અગ્નિ સાક્ષીએ વર અને વધુએ તો સાત ફેરા ફર્યા પરંતુ આ લગ્નમાં સોડમ હતી બે ભાઈઓની એકબીજા પ્રત્યેના પ્રેમની! જ્યારે કમુરતાનાં સમયમાં સ્વજનોને કમુરતાની લગ્નની કંકોત્રી મળી હશે ત્યારે સ્વાભાવિકપણે મનમાં આ વાત ખટકી પણ હોય અને સહજપણે વિચાર આવ્યો હોય કે આવા સમયમાં લગ્ન કેમ રાખ્યા હશે?

કહેવાય છે ને કે, લગ્ન એ ખુશીનો અવસર છે જેમાં પરિવાર જનોની હાજરી આવશ્યક હોય છે, જો એક વ્યક્તિ પણ ન હોય તો ખાલીપો લાગે છે, ત્યારે જો મોટા ભાઈના લગ્નમાં નાનો ભાઈ જ ન હોય તો પછી મોટો ભાઈ કંઈ રીતે ઘોડીએ ચડી શકે! આમ તો વર અને વધુ લગ્ન  ફેબ્રુઆરી, 2022 થવાના હતા પણ  તેના નાના ભાઈના યુ.કે.ના વિઝા જાન્યુઆરીમાં ફાઇનલ થવાના હતા આ કારણે અજયે ડિસેમ્બરમાં કમુરતા પહેલા લગ્ન નક્કી કરેલ. જ્યારે અજયે લગ્નની તારીખ નક્કી થઈ ત્યારે તેના નાના ભાઈ વિજયને ફોન કરીને લગ્નની તારીખ કહી કે, લગ્નની તારીખ 19-20 ડિસેમ્બર નક્કી કરવામાં આવી ત્યારે વિજયે ભાઈને કહ્યું કે મારી 20મી ડિસેમ્બરે યુનિવર્સિટીની પરીક્ષા છે. તો 23-24 રાખવાનું નક્કી કર્યું પણ આ સમયમાં વિજય થી પહોચી શકાય તેમ ન હતુ. તેથી 27-28 નક્કી કરવામા આવી,ત્યારે ફરી વિજયે ભાઈને કહ્યુ કે ત્યારે મારે કામ હોવાથી આવી શકુ નહી.આ સમયે અજયે કહ્યું કે તું ક્યારે આવી શકે ??ત્યારે વિજયે કહ્યું કે 25-26 આવી શકું. અજયે 25-26 ડિસેમ્બર કઈ પણ જોયા વગર નક્કી કરી.

જ્યારે અજયે પોતાના ભાઈનાં લગ્નમાં પહેરવાનાં કપડા ડિઝાઇન કરવા માટે ટ્રેલર પાસે ગયેલ ત્યારે દરજી કહે છે કે કમુરતામાં કોના લગ્ન છે? ત્યારે વિજયને ખ્યાલ આવ્યો કે તેના મોટા ભાઈએ તેના માટે થઈને મુહૂર્તવિનાના સમયના લગ્ન કરવાનું નક્કી કર્યું છે અને અજયે વિજયેને કહ્યું કે, તારા થી વિશેષ મારા માટે બીજું શું હોય શકે? જો તું જ લગ્નમાં ન હોય તો હું કંઈ રીત લગ્ન કરી શકું!જીવનની દરેક પળો સાથે આપણે બંને ભાઈઓ સાથે વિતાવી છે તો આ તો મારા જીવનની સૌથી યાદગાર પળ છે.આખરે અજયે પોતાના લગ્ન મુહૂર્ત જોયા વગર જ કર્યા, જીવનમાં પોતાના લોકોની ખુશી થી વધારે કંઈ જ નથી હોતું!

કાકા બાપાના ભાઈઓ હોવા છતાંય સગાભાઈઓ કરતાંય વધુ એકબીજા પ્રત્યે પ્રેમ અને અતૂટ લાગણી બંધાયેલ છે, જ્યારે મોટાભાઈ નાનાભાઈ માટે પોતાના જીવનની શરૂઆત મુહૂર્ત જોયા વગર પણ કરી લીધી ત્યારે આ શુભ પ્રસંગ ને સદાય યાદ રહે તે માટે થઈને વિજયે પોતાના હાથે બનાવેલ ભાઈ-ભાભીની તસ્વીર તેમને આ દિવસે ભેટમાં આપી જે તેમના જીવન ભરનું સંભારણું બનીને રહેશે. આમ પણ ભલે બંનેનાં લગ્ન કમુરતમાં થયા હોય પણ એ બંને જીવનમાં ક્યારેય કોઈ અનહોની નહીં ઘટે કારણ કે નાનાભાઈ પ્રત્યે જે પ્રેમ અને ભાવના હતી એ જોઈને સ્વયં ભગવાન પણ રાજી થયો હશે, એમના આર્શીવાદ સાથે હોય એને શું થઈ શકે? જીવનમાં પરિવાર પ્રત્યે પ્રેમ એજ સૌથી મોટું સુખનું સરનામું છે.

લેખક :- યોગેશ ચાંદેગરા ” યુગ “

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!