અમદાવાદની મહિલા ડેટીંગ એપથી છેતરાઈ!લગ્ન બાદ યુવકે એવું કૃત્ય કર્યું કે મહિલાના હાલબેહાલ થઈ ગયા…
આજના સમયમાં સોશિયલ મીડિયા જેટલું ઉપયોગી છે એટલું જ દુરુપયોગ મોટા પ્રમાણમાં વધી રહ્યો છે. ખાસ કરીને યુવક યુવતીઓ સોશિયલ મીડિયામાં મિત્રતા કરીને અનેક પ્રકારના ગુન્હાઓમાં ફસાઈ જતા હોય છે. હાલમાં જ એક મહિલાએ સોશિયલ મીડિયામાંથી મળેલ યુવક સામે ફરિયાદ નોંધાવી છે.
આ બનાવ અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ તો મુળ કર્ણાટકની અને હાલ ચાંદખેડામાં રહેતી 41 વર્ષીય મહિલા આઈટી કંપનીમાં કામ કરે છે. વર્ષ 2017માં એક ડેટિંગ એપ્લિકેશન પરથી તે એક યુવકના સંપર્કમાં આવી હતી. બાદમાં બંનેની એકબીજા સાથેની મિત્રતા આગળ વધી હતી અને યુવકે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો.
વર્ષ 2019માં આ યુવકે યુવતીને કેદારનાથની યાત્રામાં જોડાવાનું કહી લગ્ન માટેનો પ્રસ્તાવ મૂક્યો હતો. ત્યારબાદ યુવતીએ ભરોસો મૂકી વર્ષ 2021માં આ યુવક સાથે લગ્ન કર્યા હતા. લગ્નના દસેક દિવસમાં જ પતિએ બબાલ શરૂ કરી પત્નીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. “તારી સાથે લગ્ન કરી બહુ મોટી ભૂલ થઈ ગઈ હવે આપણું જીવન આગળ ચાલે એમ નથી અને મારે તારી જોડે આગળ કુટુંબ વધારવું નથી કે બાળકો લાવવા નથી” તેવું કહેતા જ યુવતી અવાક થઈ ગઈ હતી. તારા પિતાએ દહેજમાં કશું આપ્યું નથી તેમ કહીને ત્રાસ આપવાનું ચાલુ રાખ્યુ હતું.
પતિએ એક જ ઘરમાં રહેતા હોવા છતાંય અલગ રહેવાનું શરૂ કરી પોતાની અલગ રસોઈ બનાવવાનું શરૂ કરી દીધું હતું. વાતવાતમાં મારવાનું ચાલુ કરી દેતો જેથી મહિલા તેના પિયર જતી રહી હતી ત્યારે પતિએ ફોન કરી તારો બધો સામાન લઈ જજે નહી તો ફેંકી દઈશ તેવી ધમકી આપી સાસરે પહોંચ્યો હતો. આખરે પતિના આવા ત્રાસથી કંટાળી ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.