અમદાવાદમાં કોરોના આકરાપાણીએઃ AMC એ ચાની કિટલી અને પાનના ગલ્લાઓ બંંધ કરાવવા કવાયત શરૂ કરી
અમદાવાદમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ગુજરાત રાજ્યમાં અમદાવાદ અને સુરત બે શહેરો એવા છે જ્યાં કોરોના કાળ બનીને વરસી રહ્યો છે તેવું કહી શકાય. સ્થિતિ વિકટ થઈ રહી છે, તંત્ર કોરોનાનું સંક્રમણ અટકાવવા માટેના અનેક પ્રયાસો કરી રહ્યું છે.
ત્યારે અમદાવાદમાં AMCના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમો શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ફરીને પાનના ગલ્લા તેમજ ચાની કિટલીઓ બંધ કરાવી રહી છે.
અમદાવાદમાં પાનના ગલ્લાઓ અને ચાની કીટલીઓ ક્યાં સુધી બંધ રહેશે તે અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હજી સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જો કે પાનના ગલ્લાઓ અને ચાની કિટલીઓ બંધ રાખવા વેપારીઓને સૂચના આપી છે. પરંતુ પાન ગલ્લાના એસોસિએશનની જાહેરાત બાદ પણ કોઈ પણ ગલ્લા બંધ ન રહેતા AMCએ કડક પગલાં લીધા હોવાની વાત છે.
મહત્વનું છે કે, કોરોના વાયરસનું સંક્રમણ ખતરનાક રીતે ગુજરાતમાં વધતા રાજ્યના અનેક શહેરો, વિસ્તારો અને ગામડાઓ સ્વયંભૂ રીતે બંધ પાળી રહ્યા છે. રાજ્યના પાન-મસાલાના ગલ્લાં ધારકોએ એક માસ સુધી દર શનિ-રવિના રોજ બંધ પાળવાનો નિર્ણય લીધો છે અને આ અંગે પત્ર લખી મુખ્યમંત્રીને જાણ કરાઈ છે. આજે ગુજરાત પાન-મસાલા શોપ ઓનર્સ એસોસિયેશનના પ્રમુખ સંજય જોશીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી જણાવ્યું કે આગામી એક મહિના સુધી સમગ્ર ગુજરાતના દરેક પાન-મસાલાના ગલ્લા માલિકો દ્વારા દર શનિ-રવિ સ્વયંભૂ બંધ પાળી લોકોના આરોગ્ય હેતુસર સરકારને સહયોગ આપશે.
શહેરમાં કોરોનાની ચેઇન તોડવા માટે રાજ્યના પાન-મસાલાના ગલ્લાધારકો દ્વારા સ્વયંભૂ બંધ પાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંગે ગુજરાત પાન-મસાલા શોપ ઓનર્સ એસોસિએશનના પ્રમુખ સંજય જોશી દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને જાણ કરવામાં આવી છે કે, આગામી એક મહિના સુધી સમગ્ર ગુજરાતના પાન-મસાલાના ગલ્લાં માલિકો દર શનિ-રવિ સ્વયંભૂ બંધ પાળીને લોકોના આરોગ્ય હેતુસર સરકારને સહયોગ આપશે.