કુંભમેળો એટલે દિવ્ય ભારતીય સંસ્કૃતિની અલૌકિક પરંપરાઃ જાણો કઈ રિતે શરૂ થયો કુંભમેળો
હરિદ્વારમાં કુંભમેળો યોજાયો જેનું પહેલું શાહી સ્નાન 11 માર્ચ ગુરુવાર અને શિવરાત્રીના રોજ થયું. ભારતીય સંસ્કૃતિમાં કુંભમેળાનું ખૂબ મહત્વ છે. કુંભમેળો એ આપણી પરંપરા છે અને અહીંયા મોટી સંખ્યામાં સાધુ-સંતો આવે છે અને શાહી સ્નાન કરે છે. આ સિવાય લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ કુંભમેળામાં આવે છે અને હરહર મહાદેવના નાદ સાથે ગંગા સ્નાન કરે છે.
કુંભને લઇને સમુદ્ર મંથનની કથા પ્રચલિત છે. કથા પ્રમાણે પ્રાચીન સમયમાં એકવાર મહર્ષિ દુર્વાસાના શ્રાપના કારણે સ્વર્ગ શ્રીહીન એટલે સ્વર્ગથી એશ્વર્ય, ધન, વૈભવ નષ્ટ થઇ ગયું હતું. ત્યારે બધા દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે ગયાં. વિષ્ણુજીએ તેમને અસુરો સાથે મળીને સમુદ્ર મંથન કરવાની સલાહ આપી. તેમણે જણાવ્યું કે, સમુદ્ર મંથનમાંથી અમૃત મળશે.
આ અમૃતપાનથી બધા જ દેવતાઓ અમર થઇ જશે. દેવતાઓ આ વાત અસુરોના રાજા બલિને જણાવી. આ વાત સાંભળીને તેઓ પણ સમુદ્ર મંથન માટે તૈયાર થઇ ગયાં. આ મંથનમાં વાસુકિ નાગની નેતી (ખાસ પ્રકારનું દોરડું) બનાવવામાં આવી અને મંદરાચલ પર્વતની મદદથી સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું.
સમુદ્ર મંથનમાંથી 14 રત્નો મળ્યાં હતાં. આ રત્નમાં કાલકૂટ વિષ. કામધેનુ, ઉચ્ચૈશ્રવા ઘોડા, એરાવત હાથી, કૌસ્તુભ મણિ, ક્લપવૃક્ષ, અપ્સરા રંભા, મહાલક્ષ્મી, વારૂણી દેવી, ચંદ્ર, પારિજાત વૃક્ષ, પાંચજન્ય શંખ, ભગવાન ધનવંતરી તેમના હાથમાં અમૃત કળશ લઇને બહાર આવ્યાં હતાં.
જ્યારે અમૃત કળશ બહાર આવ્યું ત્યારે દેવતા અને અસુર તેને ગ્રહણ કરવા માંગતાં હતાં. અમૃત માટે દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ થવા લાગ્યું. આ દરમિયાન કળશમાંથી અમૃતના ટીપા ચાર સ્થાન હરિદ્વાર, પ્રયાગ, નાસિક અને ઉજ્જૈનમાં પડ્યાં હતાં. આ યુદ્ધ 12 વર્ષ સુધી ચાલ્યું હતું. એટલાં માટે જ આ ચારેય સ્થાને 12-12 વર્ષમાં એકવાર કુંભ મેળો યોજાય છે. આ મેળામાં બધા અખાડાના સાધુ-સંત અને બધા શ્રદ્ધાળુઓ અહીંની પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે.