ગુજરાતના નાયબ મુખ્યમંત્રી પહોંચ્યા વડોદરાઃ કહ્યું અત્યારે હાલ લોકડાઉનની કોઈ આવશ્યકતા નથી
ગુજરાતમાં કોરોના વાયરસ સતત માથુ ઉંચકી રહ્યો છે. અનેક લોકો મોતને ભેટી રહ્યા છે અને રોજ હજારોની સંખ્યામાં લોકો સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર પણ વધી રહેલા કોરોનાને અટકાવવાના પ્રયાસો કરી રહી છે. આ માટે રાજ્ય સરકારે નિષ્ણાંત તબીબોની ટીમની રચના કરી દીધી છે.આ ટીમો આવતીકાલથી જ રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલોની મુલાકાત લઈ દર્દીઓને અપાતી સારવારનો અભ્યાસ કરશે અને ગેરરીતી જણાશે તો એપેડેમીક એકટ હેઠળ કડક કાર્યવાહી કરાશે
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વડોદરા પહોંચ્યા હતા અને સ્થિતિની સમિક્ષા કરી હતી. અહીંયા નીતિન પટેલે પત્રકારોને સંબોધન કરતા જણાવ્યું કે, રાજ્યમા હાલ 2200 થી 2500 કેસો આવી રહ્યા છે ત્યારે સંક્રમણને રોકવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષે રોજ યોજાતી કોર કમિટીની બેઠકમાં સમીક્ષા કરીને યોગ્ય નિર્ણયો પણ અમે લઈ રહ્યા છીએ.
રાજ્યમાં લોકડાઉન લાદવામાં આવશે કે નહી? તે અંગે નીતિન પટેલે જણાવ્યું કે, અત્યારે લોકડાઉનની કોઈ આવશ્યકતા જણાતી નથી પરંતુ અમે જરૂરીયાત મુજબ યોગ્ય સમયે યોગ્ય નિર્ણયો કરીશું. આ સાથે જ નીતિન પટેલે જણાવ્યું કે, રાજ્યના મહાનગરોમાં કોરોનાના દર્દીઓને ત્વરિત સારવાર મળી રહે એ માટે જરૂરિયાત મુજબ ખાનગી હોસ્પિટલોમા વધુ સરકારી પથારીઓ રીઝર્વ કરવા માટે મ્યુનિસિપલ કમિશ્નર અને જિલ્લા કલેક્ટરોને સત્તા આપી દેવાઈ છે.
અન્ય રાજયોમાંથી ગુજરાતમાં આવતા નાગરિકો નો RT-PCR ટેસ્ટ નેગેટીવ હશે તેને જ પ્રવેશ આપવાનો નિર્ણય પણ રાજ્ય સરકારે કર્યો છે જેનો અમલ પણ 1લી તારીખથી શરૂ કરી દેવાયો છે.કોરોનાની સારવાર માટે અપાતા રેમડિસીવરના ઈન્જેકશનનો જથ્થો પણ રાજ્યમાં પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે એટલે નાગરિકોએ ચિંતા કરવાની જરૂર નથી વધુ 50 હજાર વાયલનો ઓર્ડર આપી દીધો છે જે સત્વરે ઉપલબ્ધ થશે.
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, અમે ગુજરાતમાં અત્યારે વેક્સિનેશનની કામગીરી પણ ધમધોકાર ચાલી રહી છે અને વેક્સિનનો જથ્થો પણ સમયસર મળી રહ્યો છે. અમે આ મામલે પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધન સાથે પણ અમે સતત સંપર્કમાં છીએ. નીતિન પટેલે 45 વર્ષથી વધુની ઉંમરના લોકોને રસી લેવા માટે પણ અનુરોધ કર્યો છે.
મહત્વનું છે કે, ગુજરાતમાં સતત કોરોના વાયરસના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. સ્થિતિ એ છે કે, બાળકોમાં કોરોના સંક્રમણનું જોખમ વધી રહ્યું છે. કોરોના વેક્સિનેશનની કાર્યવાહી પૂરજોશમાં ચાલી રહી છે. જો કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આ પહેલા 2-3 વાર સ્પષ્ટતા કરી ચૂક્યા છે કે, ગુજરાતમાં અત્યારે લોકડાઉન લગાવવાની કોઈ જરૂર નથી અને એટલે જ અમે વગર લોકડાઉને કોરોના સંક્રમણને અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.