શ્રી દ્વારકાધીશ અને રૂકમણીજીના અતૂટ સબંધનું અહેસાસ કરાવતું મહુવાનું આ પવિત્ર સ્થાન.
ગુજરાતન એટલે શ્રી કૃષ્ણના ચરણારવિંદ થી પવિત્ર થયેલી ધરા! મથુરા છોડી શ્રી કૃષ્ણ ભગવાને દ્વારકા નગરી વસાવી. આ જ ગુજરાતની ધરતી પર અનેક લીલાઓ કરી છે. આજે સૌરાષ્ટ્રના એવા સ્થાન વિષે વાત કરવાની છે, જે ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રુકમણીના પ્રેમની સાક્ષી પૂરે છે. આ જગ્યામાં આવેલ મા ભવાનીનું મંદિર આજે પણ અપરિણીત યુવતીઓને મનગમતા યુવકસાથે લગ્નની ઈચ્છા પૂર્ણ થાય છે. ચાલો જાણીએ આ પવિત્ર સ્થાન વિશે. અરબી સમુદ્રના કાંઠે આવેલું ભવાની માતાજીનું મંદિર ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીજીના અતૂટ પ્રેમ સબંધ અને માતાજી પ્રત્યેની અખૂટ શ્રધ્ધાનું સાક્ષી છે. સંત, શૂરા અને ભક્તોની ભૂમિ ગોહિલવાડની રખેવાળી માટે ચારેય દિશામાં સાક્ષત છે.
લોકવાયકા પ્રમાણે ભવાની માતાજીના મંદિરથી થોડે દૂર કતપર ગામ આવેલું છે. તે સમયે કુંદનપુર તરીકે કતપર ગામ ઓળખાતું હતું કુંદનપુરના રાજા ભીષ્મક હતા. તેમને સંતાનોમાં પાંચ પુત્ર અને એક પુત્રી હતી. જેમાં મોટા પુત્રનું નામ રુકમય અને પુત્રીનું નામ રુકમણી હતું. રુકમણીજીના વિવાહ તેમના ભાઈએ તેના મિત્ર શિશુપાલ સાથે નક્કી કરી દીધા હતા પરંતુ રુકમણીજી તો શ્રી કૃષ્ણને મનોમન વરી ચૂક્યા હતાં એટલે જ તેમને ભગવાનને ચાર શ્લોકમાં પ્રેમ સંદેશો મોકલાવ્યો હતો.
જેમાં તેમણે કહ્યું હતું કે, મારા ભાઈએ મારા વિવાહ મને પસંદ ન હોય તેની સાથે નક્કી કર્યા છે, એટલે હે નાથ તમે ભવાની માતાના મંદિરે આવી મારુ હરણ કરી તમારી સાથે લઈ જાવ. આથી ભગવાન શ્રી કૃષ્ણ ભવાની મંદિરે આવે છે, ત્યાંથી તેમનું અપહરણ કરીનેમાધવપૂરમાં વિવાહ કર્યા!
મહુવાથી આશરે 5 કિ.મી.ના અંતરે અરબી સમુદ્રની સપાટીથી 150 ફીટ ઉપર આવેલું ઐતિહાસિક ભવાની માતાનું મંદિર શ્રધ્ધાળુઓ માટે વિશેષ સ્થાન ધરાવે છે. દરિયાના ઘુઘવાટા મોજે આજે પણ ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીજીના પ્રસંગને વર્ણવતા હોય તેવો અહેસાસ કરાવે છે. શ્રધ્ધાળુઓ સાથે પર્યટકો માટે પણ ભવાની માતાજીનું સ્થળ શ્રેષ્ઠ મનાય છે. અહીં અરબી સમુદ્રનો કાંઠો પર્યટકો-શ્રધ્ધાળુઓને અલૌકિક આનંદને અહેસાસ કરાવે છે.