Religious

અરણેજ બુટ ભવાની માતાજી નો ઈતિહાસ અને ચમત્કારો…જય માતાજી

બુટભવાની હોટલ, બુટભવાની પાન હાઉસ, બુટભવાની હેરડ્રેસિંગ સલૂન. બુટભવાની પ્રોવિઝન સ્ટોર્સ, બુટભવાની એંટરપ્રાઈઝ, બુટભવાની જ્વેલર્સ આવા સંખ્ય બોર્ડ બજારમાં વાંચવા મળતા હોય છે તો રિક્ષા અને ટ્રકની પાછળ પણ બુટભવાની માતા લખેલું હોય છે. બુટભવાની માતામાં અખૂટ શ્રધ્ધા ધરાવતા લોકો પોતાનો ધંધોવ્યવસાય માતાજીના નામ સાથે કરતા હોય છે. આ તેમની આસ્થાનું પ્રતિક છે.

ભાવનગરથી બોટાદ અને ધંધુકા થઈ અમદાવાદ જવા માટેની રેલવે લાઈનનું કામ ચાલી રહ્યું હતું ત્યારે લોથલ ભુરખી અને હડાળા ભાલ વચ્ચે આવેલ અરણેજ ગામ પાસે ઈજનેરો અને રેલ મજુરોને જાતજાતના અનુભવો થઈ રહ્યા હતા. અંગ્રેજ ઈજનેરો આ વાત સમજી શકતા ન હતા. રેલ લાઈન નખાઈ ગઈ અને ગાડીની ટ્રાયલ લેતી વખતે ડબ્બાઓ પાટા ઉપરથી ઉતરી જતા હતા. આવું વારંવાર બન્યું એટલે સ્થાનિક લોકો અને ઈજનેરોને લાગ્યું કે આ જમીન કોઈ પવિત્ર માહાત્મય ધરાવે છે.

બ્રાહમણૉ પાસે જમીનનો ઈતિહાસ કઢાવ્યો અને જાણવા મળ્યું કે આ જગ્યાએ બુટભવાની માતાજીનો વાસ છે. અંગ્રેજો સમસ્ત ઘટનાક્રમ અને સ્થાનની પવિત્રતા સમજી ગયા અને રેલ લાઈન શરૂ કરતા પહેલા અરણેજ બુટભવાની માતાજીને સવારૃપિયો, નાળિયેર અને ચુંદડી ધરાવ્યા અને વર્ષાસન બાંધી આપ્યું. માતાજીને આ પ્રસાદ ધરાવ્યા પછી રેલ લાઈનમાં કોઈ રૂકાવટ આવી ન હતી અને માતાજીના આ સ્થાનકનું મહત્વ વધી ગયું હતું.

અરણેજ ગામના સીમાડેથી ટ્રે ઈન પસાર થાય ત્યારે વ્હીસલ વગાડીને સલામ કરીને જાય છે. બુટભવાની માતાજી અનેક જ્ઞાતિઓ જેવી કે સોની, દરજી, બ્રાહ્મણ, વાણિયા, કારડિયા રાજપૂત, પટેલ, પંચાલ, સુથાર અને વાળંદ વગેરે ૬૪ જ્ઞાતિના મા જગદંબા બુટભવાની માતાજી કુળદેવી છે.

હિન્દુ સંસ્કૃતિના વિવિધ જ્ઞાતિઓના કુળદેવી તરીકે પૂજાતા બુટભવાની માતાનું અનેરું મહત્ત્વ છે. હળવદથી આશરે પંદર કિલોમીટર દૂર આવેલું સાપકડા ગામ બૂટભવાની માતાજીનાં જન્મસ્થાન તરીકે જાણીતું છે.આ મંદિરનો ઇતિહાસ જાણવા જેવો છે. સદીઓ પહેલા બાપલદેથા નામના દેવીપુત્ર ચારણ જેઓ ઘોડાના વેપાર અર્થે સિંધમાંથી સૌરાષ્ટ્ર- કરછ સુધી આવતા હતા. તેના પત્ની મીનલદેવી પણ કયારેક-કયારેક તેમની સાથે આવતા હતા.

વ્યવસાયના કારણે સૌરાષ્ટ્રનો સંપર્ક વધતા દંપતીએ પોતાના જીવનનો ઉતરાર્ધ સૌરાષ્ટ્ર પ્રાંતના સર્પકુડ નામના તિર્થમાં વિતાવવાનો નિર્ણય લીધો હતો.આ વિસ્તારમાં કેટલાક જ્ઞાતિજનો સાથે નેશ બાંધીને નિવાસ કર્યો. આ દંપતિને માતાજીમાં ભારે શ્રધ્ધા હતી. બન્ને પોતાનો સમય માતાની સેવામાં ગાળતા. બાપલદેથા તથા પત્ની મીનળદેવીને શેરમાટીની ખોટ હતી.

સમય થતા હિંગળાજ માતાજી એ પોતાના ભકત બાપલદેથાની પરીક્ષા લેવાનું વિચાર્યું. તેથી માતાજી એ ગાયનું રૂપ ધારણ કરી સાંજે સિંહના આક્રમણનું દ્રશ્ય ઊભું કર્યું હતું. ગાયની રક્ષા કાજે બાપલ દેથા પોતાના પ્રાણનું બલીદાન આપવા વરચે પડ્યા ત્યારે ક્ષણવારમાં જ ગાય તથા સિંહ અદ્રશ્ય થઇ માતાજી પ્રગટ થયા અને વરદાન માંગવા જણાવ્યું. બાપલ દેથાએ શેર માટીની ખોટ પૂરી કરવા આજીજી કરી. આ આજીજીના કારણે સમય જતાં બાપલ દેથાના ધેર જગદંબા અવતાર બૂટભવાનીએ જન્મ લીધો હતો.

વરદાન આપતી વખતે માતાજીએ કહ્યું હતું કે, આજથી નવમાસ બાદ તારા ઘેર દીકરીનો જન્મ થશે અને નિશાની માટે એ દિકરીની બંને કાનની બૂટ વિંધાયેલી જન્મે તો માનજે કે તને આપેલા વરદાન મુજબ હું પોતે અવતાર ધારણ કરી આવી છું. આ નિશાની મુજબ જ માતાજીએ અવતાર ધારણ કર્યો તેથી જગંદબા બૂટભવાનીના નામે પ્રસિદ્ધ થયા હતા.

કોઈ પણ સમય હોય, જાણે અજાણ્યે ચમત્કારો બનતા હોય છે અને જ્યારે દૈવીશક્તિની ભક્તિ આચરવામાં પામર માનવીની ચૂક થઈ જાય છે ત્યારે કોઈ મીઠો પરચો માતાજી કરાવતા હોય છે અને તેના કારણે જ ઈશ્વર અને માતાજી પ્રત્યેની આસ્થા સદીઓથી ટકી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!