સાવધાન! જન્મના 15 દિવસમાં જ જોડિયા બાળકો આવ્યા કોરોનાની ઝપેટમાં
સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો કહેર ફેલાયો છે. કોરોનાના કારણે અનેક લોકો પોતના સ્વજન ગુમાવ્યા છે અને અનેક પરિવારોમાં શોક ફેલાયો છે. અને હવે તો કોરોનાના જે નવા સ્ટ્રેન્સ આવ્યા છે તેમાં દર્દીને લક્ષણો પણ જોવા મળતા નથી.
ત્યારે ગુજરાતમાં એક એવી ઘટના સામે આવી છે કે જેને જાણીને આપ પણ દ્રવી ઉઠશો. હજી તો થોડા દિવસ પહેલા જ જે બાળકોએ આ દુનિયામાં જન્મ લીધો તે જોડિયા બાળકોને કોરોનાએ પોતાની ઝપેટમાં લઈ લીધા છે. બંન્ને બાળકો અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને બાળકોના માતા-પિતા પણ સંક્રમિત થયા હોવાની વિગતો સામે આવી છે.
15 દિવસ પહેલા જ જન્મેલા બે જોડિયા બાળકોને હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ બાળકોને સ્વાસ્થ્ય સંબંધી તકલીફો આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યુ કે, બંને માસૂમ કોરોના પોઝિટીવ આવ્યા હતાં. ત્યાર બાદ તેમને ફરી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વડોદરાની એસએસજી હોસ્પિટલમાં પીડિયાટ્રિક્સ વિભાગના પ્રમુખ ડોક્ટરે જણાવ્યુ હતું કે, બંને માસૂમોને ગંભીર રીતે ડાયરિયા અને ડિહાઈડ્રેશન થઈ ગયા છે. નવજાતની હાલત હાલમાં સ્થિર છે. તેમની સારવાર ચાલી રહી છે.
આજે જ સુરત મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, કોરોના વાયરસના જે નવો સ્ટ્રેન સામે આવ્યો છે તે ખૂબ જ ખતરનાક છે અને એવા લોકો કે જેમનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવે છે પણ હકીકતમાં તેમને પણ કોરોના પોઝિટિવ આવે છે.
સમગ્ર દેશમાં અત્યારે વેક્સિનેશન શરૂ થઈ ગયું છે. પરંતુ વેક્સિન લીધાના અમૂક દિવસો બાદ આપણા શરીરમાં એન્ટીબોડી ડેવલપ થતી હોય છે. ત્યારે વર્તમાન જરૂરિયાત અનુસાર કોરોનાના આ રાક્ષસ સામે જો આપણે બચવું હશે અને જો આપણા પરિવારને બચાવવો હશે તો ચુસ્ત સાવચેતી રાખવી પડશે. અને આ જ એક માત્ર રસ્તો છે કોરોનાથી બચવાનો.