સો. મીડિયા પર લાખોની નોટો સાથેનો વીડિયો પોસ્ટ કરવો પડી ગયો ભારે, મુશ્કેલીમાં પડ્યું જીવન
મુંબઈના ડોંગરી વિસ્તારમાં રહેતા એક ગેંગસ્ટરે સોશિયલ મીડિયા પર લાખો રૂપિયાની સાથેનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયો વાયરલ થતા મુંબઈ પોલીસ સુધી પહોંચ્યો હતો અને આરોપીને સમન્સ પાઠવીને જવાબ માંગવામાં આવ્યો છે. આ લાખો રૂપિયા ક્યાથી આવ્યા તે બાબતની સમગ્ર માહિતી પોલીસ દ્વારા માંગવામાં આવી છે.
શું છે આ વાયરલ વિડિયોમાં?
હકીકતમાં, સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં એક બાળક વ્યક્તિના ખોળામાં બેઠેલું છે. તેની આજુબાજુમાં 500 અને 2000 રૂપિયાની નોટોના બંડલ પાથરેલા છે. આટલું જ નહીં, બાળકના હાથમાં પણ રૂપિયાના બંડલ છે. આ વીડિઓ જોયા પછી લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે કે કોઈ વ્યક્તિ પાસેથી આટલા બધા રૂપિયા ક્યાંથી અને કેવી રીતે આવી શકે છે.
ગેંગસ્ટરને પૂછપરછ માટે પોલીસ સ્ટેશને બોલવાયો
પોલીસે જ્યારે આ વીડિયો અબ્બાતે તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે વીડિયો મુંબઈના ડોંગરી વિસ્તારમાં રહેતા એક કુખ્યાત ગુનેગાર ‘શમ્સ સૈયદ’નો છે. મુંબઈ પોલીસે જણાવ્યા મુજબ, શમ્સ સૈયદ પર મુંબઈના જુદા-જુદા પોલીસ મથકોમાં અનેક ફરિયાદો નોંધાયેલી છે. પોલીસે આ ગેંગસ્ટરને પૂછપરછ માટે બોલાવ્યો છે.
ગેંગસ્ટર સામે 10 થી વધુ કેસ નોંધાયેલા છે
મુંબઈ પોલીસના ડીએસપી એન ચૈતન્યએ કહ્યું, ‘આ વીડિયો બાબતે અમે નોટિસ જાહેર કરી છે. જે વ્યક્તિ આ વીડિયોમાં નજરે પડી રહ્યો છે, તેની પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે કે આટલા બધા રૂપિયા તેની પાસે ક્યાથી આવ્યા છે. તેમણે જણાવ્યુ કે ગેંગસ્ટર શમ્સ સૈયદ સામે સમગ્ર મૂંબઈમાં 10 થી વધુ કેસ નોંધાયેલા છે, જેમાં એક કેસ હત્યા કરવાના પ્રયાસનો પણ છે.