રાજા જયસિંહએ મા મહાકાળીના રોદ્ર રૂપને જોઈને તેમનો પાલવ પકડી લીધો અને બની આવી ઘટના! જાણો પાવાગઢનો ઇતિહાસ.
પાવાગઢ એટલે મહાકાળીમાનું ધામ! ગુજરાતનું શક્તિ પીઠ લાખો ભાવિભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે અને કહેવાય છે કે આ ધામમાં સતી દેવીના પગનો અંગુઠો અહીંયા પડ્યો હતો ઍટલે આ ધામ 51 શક્તિપીઠોમાં એક મહત્વનું સ્થાનક છે. આજે આપણે જાણીશું જે પાવાગઢમાં મા મહાકાળીના બેસણા કેમ થયા. મહાકાળીનું રૂપ કોપાયમાન અને રોદ્ર છે અને તેની સાથે કથા જોડાયેલ છે જે આ મંદિરના ઇતિહાસ સાથે સંલગ્ન છે.
વાત જાણે એમ છે કે, વર્ષો પહેલા પાવાગઢ – ચાંપાનેર પંથકમાં પતઇ કુળના રાજા રાજ્ય કરતા હતા. તેઓ કાળકા માતાના પરમ ઉપાસક હતા અને તેમની ભક્તિથી પ્રસન્ન કાળકા માતા દર નવરાત્રિના નવ દિવસ અહીં ગરબા રમવા આવતા હતા. પતઇ કુળના છેલ્લા શાસક રાજા જયસિંહ એકવાર નવરાત્રિમાં મદિરાપાન કર્યું અને રુપ બદલી ગરબે રમતા માતાજીને જોઇ તેમના રુપથી મોહિત થઇ ગયા.
તેમણે માતાજીનો પાલવ પકડી રાણી બનવા કહ્યું. માતાજીના ઘણું સમજાવ્યા બાદ પણ પતઇ રાજા જયસિંહે પોતાની જીદ છોડી નહી, તેથી કોપાયમાન થઇ માતાજીએ પોતાનું અસલ સ્વરુપ ધારણ કરી રાજાને શ્રાપ આપ્યો કે આવતા છ મહિનામાં તારું સામ્રાજ્ય નષ્ટ થઇ જશે. પતઇ રાજા જયસિંહને મહંમદ બેગડા હરાવી ચાંપાનેરજીતી લીધું અને ત્યાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું. અહીંયા પાવાગઢનાં ડુંગરમાં અંબાજી નું ભવ્ય મંદિર છે. આજે લાખો ભાવિ ભક્તોનું આ આસ્થાનું કેન્દ્ર છે તેમજ મહત્વની વાત એ છે કે પાવાગઢ ઐતિહાસિક નગર છે જ્યાં વર્ષો પૂર્વના તમામ સ્મારકો આવેલા છે.આ પવિત્ર ધામની એકવાર અચૂક મુલાકાત લેવી જોઈએ.