Gujarat

સતનો આધાર એટલે સતાધાર! સનાતન ધર્મ ને ફેલાવનાર આપા ગીગાની પ્રાગટય કથા વિશે જાણો.

સત નો આધાર એટકે સતાધાર! જ્યાં સદાય સનાતન ધર્મની ધજા ફરકતી રહે છે જેવા આપા ગીગાનું આ પરમ ધામ છે. સૌરાષ્ટ્રનું આ અતિ પવિત્ર ધામ લાખો ભાવિ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. આજે આપણે જાણીશું આપા ગીગાની પ્રાગટય કથા વિશે અને જાણીશું કંઈ રીતે તેમને સતાધારની સ્થાપના કરી.

કહેવાય છે કે, આપા ગીગાનો જન્મ દુનિયાથી દુભાયેલી ગધઇ મહિલાની કુખે થયો હતો. તેના પિતાનું નામ અલીભાઈ અને માતાનું નામ સુરઇ હતુ જે પાછળથી આપા દાનાએ તેનુ નામ લાખુ રાખ્યું હતું જેથી તે એજ નામથી ઓળખાતી હતી. એક સમયે સોરઠમાં ભયંકર દુકાળ પડતા અલીભાઈ, સુરઇને સગર્ભા મુકીને પોતાના ઢોર લઇને દેશાવર ચાલ્યા ગયા હતાં. સુરઇ પોતાના સગાને ત્યાં ચલાળા જવા નીકળ્યા ત્યારે રસ્તામાં શાપુર ગામે પુત્રનો જન્મ થયો. પુત્રનુ નામ ગીગો રાખ્યું. મા-દીકરો ચલાળે આવ્યા, પણ દુકાળની થપાટ એવી કારમી હતી કે ચલાળામાં સુરઇના સગાઓએ પણ તેને જોઇને મોઢું મચકોડ્યું હતું.

તે સમયે આપા દાના કાળનો સામનો કરવા ચલાળામાં આશ્રમ શરૂ કરેલો. સુરઇ અને ગીગો તેમાં આવીને રહ્યા. આપા દાનાએ ગીગાને પુત્રની જેમ પાળ્યો અને મા-દીકરાએ જીવન દાનબાપુના ચરણે અર્પણ કર્યુ. આમ ધીરે ધીરે સમય પસાર થતો હતો. એક દિવસે ચલાળા પાસેના સરંભડા ગામે ગીગાના વિવાહની વાત ચાલતી હતી. પણ ઈશ્વર ધણીમાં જેને ઓરતા હતા તેવા ગીગાનુ મન સંસારમાં ચોંટ્યુ જ નહીં, એ નિર્લેપતામાંથી સંત આપા ગીગાનો પ્રાદુર્ભાવ થયો.

આમ આપા ગીગા તો ચલાળાની જગ્યામાં ગાયોની સેવા કરતા અને છાણના સુંડલા ઉપાડતા ઉપાડતા મોઢે ઈશ્વરનું અને ગુરૂ આપા દાનાનું નામ જ રટ્યા કરે છે. આમ ધીરે ધીરે લાંબો સમય પસાર થઇ ગયો હતો. એક દિવસ પાળિયાદની જગ્યાનાં આપા વિસામણ, ચલાળાના મહેમાન બન્યા છે. આપા વિસામણ તો રોજ ગાયોની સેવા કરતા અને છાણનાં સુંડલા ઉપાડતા ગીગાને જોયે રાખતા હતા

એક દિવસ આપા વિસામણે આપા દાનાને કહ્યુ કે આપા હવે આ ગીગાને સુંડલો ઉતરાવી નાખો અને તમારો પંજો (પવિત્ર હાથ) મુકો. આમ તે દિવસે બન્ને સંતો ગીગાને પાસે બોલાવે છે અને આપા દાનાએ ગીગા ઉપરથી છાણનો સુંડલો ઉતાર્યો ત્યારે ગીગો તેના ચરણોમા નમી પડ્યો અને તેના ગુરૂ નો પંજો તેના ઉપર પડ્યો. ત્યાર બાદ થોડા સમય પછી ગીગાને આપા દાનાએ બોલાવીને નોખી જગ્યા બાંધવા કહ્યુ. તે સમયે ગીગાની આંખમાં આંસુની ધારા છૂટીને પોતાના ગુરૂને કહ્યુ કે મારો કાંઇ વાકગુનો છે, કે મને નોખો થવાનું કહો છો.

ત્યારે આપા દાને હસતા હસતા કહ્યુ કે ‘ગીગા તુ તો મારાથી સવાયો થઇશ, પશ્ચિમનો પીર કહેવાશે અને તમામ વરણ (જ્ઞાતિ) તને નમશે અને પરગટ પીર થઇ પુજાઇશ. અને કામધેનુ, મુંડીયા અને અભ્યાગતો (અચાનક આંગણે આવેલા) ને પાળજે. તારા ચુલામાં લોબાનની ભભક (સુગંધ) આવે ત્યાં રોકાઇ જાજે, અને ધર્મની ધજા ફરકાવજે.’

આમ આપા ગીગા પોતાના ગુરૂ આપા દાનાને પગે લાગી, જગ્યાના ઝાડવે ઝાડવાને બથ ભરી ભરીને રોઇને વિદાય લીધી. ચલાળાથી ૧૦૮ ગાયને લઇને થોડો સમય ચલાળામાં જ? એક ઝુંપડી બાંધીને રહ્યા. અને ત્યાં દાળ-રોટલાનું સદાવ્રત ચાલુ કર્યુ. થોડો સમય રહ્યા પછી ત્યાંથી ગાયોને લઇને ફરતા ફરતા અત્યારે જ્યાં સતાધારની જગ્યા આવેલી છે ત્યાં આંબાઝર નદીને કાંઠે ઝુંપડી બાંધી અને જગ્યાનુ તોરણ બાંધ્યું.

ચમત્કારોની કેટલીય વાતો આપાગીગાનાં જીવન સાથે વણાયેલી છે. આપાગીગાએ બાંધેલી ઝુંપડી સતાધાર(સત આધાર) ના નામથી પ્રખ્યાત બની અને આજે તો તેની કીર્તિ ચારે તરફ પ્રસરી વળી છે. આપાગીગાએ શરૂ કરેલ સદાવ્રત અને અભ્યાગતોના આદર-સત્કાર ની પરંપરા એકધારી ચાલી આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!