સુરતના ડિસ્ટ્રીક્ટ કોર્ટ પરિસરામાં આજે એક આંખો ભીની કરી દે તેવો કિસ્સો સામે આવ્યો છે.
ખરેખર ક્યારેક એવા બનાવ બનતા હોય છે જેને સાંભળતા આપણી આંખમાંથી આંસુઓ આવી જાય. એક બાપ માટે તેની દીકરી સૌથી વ્હાલી હોય છે , ત્યારે આજે એક એવા નિષ્ઠુર બાપ વિશે વાત કરીશું જેને પોતાનું જીવન સુખી બનાવવા એટલે કે બીજા લગ્ન કરવા માટે પોતાની દીકરીને બાળ આશ્રમમાં મૂકી આવ્યો. પરતું અંતે આ ઘટનાનો સુખદ અંત આવ્યો.
વાત જાણે એમ છે કે, 4 વર્ષ પહેલાં શાંતિલાલ કાપરેના 12 વર્ષના લગ્ન જીવનમાં ભંગાણ પડતા પતિ-પત્ની એકબીજા થી છૂટાછેડા લઈ અલગ થઈ ગયાં હતાં. રત્નબેન પોતાના ત્રણ સંતાન પૈકી સૌથી નાની દીકરીને લઈ પોતાના વતન મહારાષ્ટ્ર ચાલ્યાં ગયાં હતાં. શાંતિલાલ એક મોટો દીકરો અને એના પછીની એક દીકરી અને વૃદ્ધ માતા સાથે રહેતા હતાં.
લગભગ 25 દિવસ પહેલા અચાનક દારૂના નશામાં શાંતિલાલ પોતાની નાની દીકરીના જન્મ અને તમામ ઓળખ પૂરાવા લઈને ઘરે ગયો હતો. સાંજ પડતા પરત આવેલા દીકરાને જોઈને માંએ પૂછ્યું, મારી પૌત્રી ક્યાં છે, તો જવાબ મળ્યો મને નથી ખબર, આ સાંભળી વૃદ્ધ દાદીનું કાળજું કપાઈ ગયું હતું. કલાકો સુધી પુત્રની પૂછપરછ કર્યા બાદ વૃદ્ધ દાદી જીજાબાઈને ખબર પડી કે, દારૂડિયો પુત્ર મારી લાડકી પૌત્રીને બાળ આશ્રમમાં મૂકી આવ્યો છે.
વૃદ્ધ દાદી જીજાબાઈની વારંવારની વિનંતી બાદ એટલે કે, 18 દિવસ પછી દારૂડિયો પુત્ર માં ને દીકરી પાસે મળવા રૂસ્તમપુરાના બાળ આશ્રમમાં લઈ ગયો હતો. 12 વર્ષની માસૂમ દીકરીએ દાદીનો સાડીનો છેડો પકડી રડતા રડતા કહેવા લાગી મને અહીંયાંથી લઈ જાઉં મારે તમારી સાથે જ રહેવું છે છતાં આશ્રમવાળા દીકરીને ખેંચીને રૂમમાં લઈ ગયા.
તાત્કાલિક પાડોશી મહિલાની મદદ લઇ વકીલ વિલાસભાઈ પાટીલને મળી હતી. એમણે મને સાંભળી તાત્કાલિક 26 મીએ કોર્ટમાં સર્ચ વોરંટ કાઢવા અરજી કરી હતી. કોર્ટે પણ અરજીની ગંભીરતા લઈ સલાબતપુરા પોલીસને બાળ આશ્રમના સંચાલકોને બાળકી સાથે 27 મીએ સવારે 10 વાગે હાજર રહેવા ફરમાન કર્યું હતું. આજે કોર્ટ રૂમમાં બાળકીની ગભરાહટ જોઈ જજ સાહેબ પણ સમજી ગયા હતાં.
દીકરીનો ઉદાસ ચહેરો જોઈ જજ સાહેબે પણ એને હસાવવા ઘણા પ્રયાસ કર્યા અને એમની પાસે બોલાવી દીકરીને તમામ હકીકત પૂછતાં રડતા રડતા પોતાની વ્યથા સંભળાવી હતી.કોર્ટે આશ્રમ અને પિતાને કડક ચેતવણી આપી હતી.જજ સાહેબે માસૂમ દીકરીને પૂછ્યું તારે કોની સાથે રહેવુ છે. તો રડતા રડતા જવાબ મળ્યો દાદી સાથે.. એ સાંભળી જજ સાહેબ અને આખો કોર્ટ રૂમમાં ભાવુકતાના દ્રશ્યો દેખાયા હતા. .